પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૬૧
 

સારીને તો ક્યાંક એમાંથી કંઈક લાભ મેળવીને, જ્યારે અહીં એનાથી વિપરીત પરિસ્થિતિ છે. ઓઘડચંદ ચૌદશિયાએ લાકડા શેઠની દીકરી લાડકી માટે ૪ર વર્ષનો મુરતિયો પસંદ કરી ચાર હજાર રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો અને એમાંથી એક હજાર રૂપિયા દલાલીના એને મળવાના હતા પણ ઓઘડચંદની આ ચૌદશ કરવાની રીતને લાડકા શેઠનો મુંબઈમાં ભણતો દીકરો રમણિક એવી રીતે ઊંધી પાડીને પદાર્થપાઠ શીખવે છે કે એને પરિણામે એ જિંદગીભર આવી દલાલી કરવાનું ભૂલી જાય છે. એટલું જ નહીં, બેંતાલિસ વર્ષે પરણવાના ઓરતા કરનાર તારાચંદ શેઠ પણ નાણું અને નાક બંને ખોઈને સમાજમાં બદનામ થાય છે. સમાજના દબાયેલા, કચડાયેલા વર્ગને જરૂર છે આવા નિર્ભિક અને વક્તા યુવાન રમણિકની , એની કાર્યપદ્ધતિની, સમાજમાં આવા થોડા યુવાન-યુવતીઓ ટીકાટિપ્પણની પરવા કર્યા વિના બહાર આવે અને કામ કરે તો કેટલાય નિર્દોષ યુવાન-યુવતીઓનાં જીવન રહેંસાતાં બચી જાય છે એ આ વાર્તા દ્વારા લેખક સૂચવે છે.

‘કુસુમ અને વ્રજ’માં સ્ત્રીની દબાયેલી સ્થિતિનું દયનીય અને કારુણ્યસભર નિરૂપણ છે. શેઠ વનવિહારીની પત્ની પ્રેમીલાએ પતિરૂપી હિમાળાને પ્રસન્ન રાખવા જાત લૂંટાવી દીધી હતી. સાત સાત છોકરાને જન્મ આપ્યા પછી કંતાયેલા શરીરે પણ પશુ જેવા પતિની હવસભૂખથી પીંખાતી અને છતાં કંઈ ન બોલતી અને પતિને દેવ ગણતી આ સ્ત્રી છેવટે આઠમા બાળકનું દાન દઈને મોતને શરણ થઈ ત્યારે હવસભૂખ્યા શેઠે પચીશ હજાર રૂપિયા ખર્ચી મધુમાલતી સાથે બીજું લગ્ન કર્યું. વગડાઉ રોજ જેવો પતિને, એના હવસને ઠેકાણે આણતી મધુમાલતી શેઠને દાસાનુદાસ તો બનાવે જ છે પણ સાથે સાથે મૃત પત્નીની સાચી કિંમત પણ સમજાવે છે.

‘અપહૃતા’ નારીજીવનના એક એવા કરુણ પાસાને શબ્દરૂપ આપે છે. જેને વિના વાંકે ઘણું સહન કરવું પડે છે. વાર્તાની નાયિકા રંજન પોતાના પતિ કનુને ખૂબ ચાહે છે. ધંધાના કામે પરદેશ જતો પતિ વહેલામાં વહેલો એટલે કે એકાદ વર્ષો પાછા ફરવાનું વચન આપી પ્રિય પત્નીથી વિખૂટો પડે છે. વિરહવ્યાકુળા રંજન એક નહીં બબ્બે વર્ષ પતિની રાહમાં તરફડી તરફડીને ગુજારે છે ત્યાં અચાનક આવતું સ્વરાજનું તોફાન એની આસપાસ