પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

આંધી બનીને વીંટાય છે. ગુંડાઓ દ્વારા તેનું સ્ત્રીત્વ લુંટાય છે. ગુંડાઓના પંજામાંથી ભાગી આવેલી રંજનાને સમાજ સ્વીકારતો નથી. પરદેશથી પાછો ફરતો કનુ જ્યારે બંગલાના ચોકીદાર પાસેથી આ કરુણકથા જાણે છે ત્યારે પત્નીના પ્રેમની યાદમાં તરફડીને જિંદગી વિતાવે છે.

અંધારી અને ગંદી ગલીમાં વસતા માનવીઓનાં દિલ અંધારમય કે ગંદા નથી હોતાં, ત્યાં પણ કાદવના કમળની જેમ દિલની ઊજળી સુવાસ જોવા મળે છે. એ વાતની પ્રતીતિ કરાવતી ‘રાજા બેટા’ વાર્તાની નાયિકા ગંગા ગામના ઠાકોરની રાણી ચંદ્રકુંવરબાને પોતાનો જણ્યો જણતાની સાથે આપી દે છે અને એના બદલામાં મળતા પૈસા કે સાડી સ્વીકારતી નથી. એની તો એક જ ઝંખના છે : ‘ઠાકોર’ મારો દીકરો રાજા થશે. એના જે જેકાર બોલાશે. મારા પેટનો જણ્યો ! મારો રાજા બેટા ! (પૃ. ૧૭૫) ‘મહર્ષિ મેતારજ’ની કથાની યાદ આપતી આ વાર્તાની કથા માની મમતાના ઊજળા પાસાને પ્રગટ કરે છે અને સાથે સાથે નાના માણસોના દિલમાં રહેલી ઉદ્દાત્તતાને પણ વર્ણવે છે.

સ્ત્રીને થતા અન્યાયની કથા ‘પ્રેમલક્ષણા’માં આલેખાઈ છે. શોભના નામની ગણિકાએ નગરના ધનકુબેર શેઠના વારસદાર પાસે એકનિષ્ઠ રખાત તરીકેના હક્કથી મિલકતમાં ભાગ માગ્યો. કોર્ટે ભાગ આપ્યો પણ ખરો પણ એ ભાગ લેવા જતાં સમાજમાં થયેલી બદનામીથી દુભાઈને એણે આત્મહત્યા કરી એની વ્યથાકથા વર્ણવાઈ છે.

‘કંથ અને કામિની’ કામ અને પ્રેમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી આપતી વાર્તા છે. લેખકે નવલ-માણેક અને સુશીલાના પ્રણયત્રિકોણ દ્વારા પ્રેમને કામ દ્વારા ઠોકરાતો અને અંતે પશ્ચાત્તાપની જ્વાળામાં પ્રજળીને પાવનરૂપે પ્રગટતો બતાવ્યો છે. નવલ-માણેકની પ્રસન્ન દામ્પત્યમય જિંદગીમાં વિષવેલ રૂપે ફાલીને દામ્પત્યને અગ્નિપરીક્ષામાં તાવતી સુશીલા આધુનિક નારીને વરવા રૂપે ઉપસાવે છે. કામીની દાસી બનીને વિલાસિતાની વિષવેલ પોતાની અને નવલની આસપાસ વીંટતી સુશીલાનો સાચો પરિચય થતાં માણેક પાસે પાછો આવતો નવલ પોતાની જિંદગી તો માણેકની અનુપમ સેવા અને સ્નેહથી પાછી મેળવે છે. પણ સાથે સાથે સ્ત્રીના બે સામસામાં રૂપોથી પણ