પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૮૯
 

પરિચિત થાય છે. એનાથી આપોઆપ માણેક અને સુશીલા - જૂની અને નવી નારી - ની સરખામણી થઈ જાય છે. એક ભૂખી છતાં સંતોષી ! એક ભરપેટ પામનારી છતાં ભૂખડી બારસ ! ‘એક તરફ સ્વયંસંપૂર્ણ પ્રેમ, બીજી તરફ સદા સંતપ્ત કામ ! નવલે સુધરેલી સુશીલાના દેહ પર નિરુદ્યમી અજગરની મહા ક્ષુધા વ્યાપેલી જોઈ. જૂનવાણી માણેકના દેહ ઉપર આત્મભોગનો સાગર હિલોળા લેતો દેખાયો.’ (પૃ. ૨૦૬). લેખકને આ વાર્તા દ્વારા સૂચવવું છે એ કે કામ એ પ્રેમમંદિરે પહોંચવાની નિસરણી જરૂર છે પણ માણસની એ આખરી મંઝિલ ન હોવી જોઈએ.

‘પ્રેમલક્ષણા’ની જેમ ‘પાપનો પોકાર’માં પણ સ્ત્રીને થતા અન્યાયની જ વાત છે. આ અન્યાય સ્ત્રીએ એટલા માટે સહન કરવા પડે છે કે એ અસહાય અને પુરુષની દબાયેલી છે. અનાઘાત પુષ્પ સમી કોમળ સુકુમાર બાળવિધવા કાન્તાને કઈ રીતે સહાનુભૂતિની અને પ્રેમની આડ લઈ સમાજમાં સંસ્કારદાતા ગણાતા માસ્તર દ્વારા છળવામાં આવે છે અને છેવટે શીલ ગુમાવી ચૂકેલી આ નારી ઉપર યાતનાના કેવા કેવા પહાડ ઝિંકાતા જાય છે એનું નિરૂપણ આપણા સમાજની એક કાળી બાજુને મૂર્તિમંત કરે છે. છેવટે કોર્ટમાં ન્યાયદેવતા સમક્ષ વીફરેલી આ વનિતા દ્વારા પુરુષસમાજના વરવા રૂપને પ્રગટ કરતી કેફિયતમાં કચડાયેલા નારીસમાજનો આક્રોશ પ્રતિબિંબિત થાય છે. અલબત્ત, કાન્તાના કોર્ટમાંના લાંબા સંવાદો વાર્તાતત્ત્વને કથળાવી મૂકે છે. પણ લેખકનો હેતુ સ્ત્રીની દયનીય સ્થિતિને સચોટ રીતે અભિવ્યક્ત કરવાનો છે એ સિદ્ધ થાય છે.

‘વસિયતનામુ’ આ સંગ્રહમાં એક નવા જ વિષયને નવા પ્રકારની આલેખનરીતિથી રજૂ કરતી વાર્તા છે. એમાં લેખકે એક સરસ પ્રકારનું સ્વપ્નાલેખન કર્યું છે. ગંભીર માંદગીના બિછાને પડેલા વાર્તાના નાયકલેખક મહાશયને લાગે છે કે હવે પોતે લાંબો સમય જીવી નહીં શકે. વકીલ મિત્ર મરતા અગાઉ પોતાની પાસે જે કંઈ હોય એનું વીલ કરવાની સલાહ આપે છે. આ વીલ એક લેખકનું વીલ છે. સરસ્વતીની પ્રસન્નતા હોય ત્યાં લક્ષ્મીનો વાસો તો હોય જ ક્યાંથી ? લેખકની મિલકત રૂપે કેટલીક ચોપડિયો… કેટલાંક દેવાં.... વગેરે વગેરે ! વીલ કરતાં કરતાં સ્વપ્નાવસ્થામાં સરેલો લેખક પોતાને મૃત્યુ પામેલો જુએ છે એ પછીની એની આનંદમય સ્થિતિ,