પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

એના સૂક્ષ્મ સ્વરૂપે નિરખેલું એના સ્થૂળ શરીર તથા એના નામની સાથે સ્વજનો તથા સંબંધીઓ દ્વારા થતાં ચેડાનું દર્શન વગેરેનું નિરૂપણ વાર્તામાં ક્યાંક કટાક્ષ, ક્યાંક હાસ્ય અને ક્યાંક આનંદલહર પૂરી પાડે છે. વાર્તામાં સરસ્વતી અને લક્ષ્મીના કુમળની વાત સુંદર રીતે મઢી લેવાઈ છે. વાર્તા વાંચતાં ક્યાંક લેખક પોતે જ નાયક તરીકે ઝળકતા હોય.… પોતાનું જ પ્રતિબિંબ વાર્તામાં પાડ્યું હોય એવું પણ જણાય છે ખરું !

કંચન અને કામિનીની માંગ સમાજના માનસને કેવું હિલોળે ચડાવે છે તેનું સુંદર અને સચોટ આલેખન કરતી જયભિખ્ખુની આ વાર્તાઓ સુવાચ્ય છે. મોટા ભાગે સામાજિક પ્રશ્નોની છણાવટ કરતી આ વાર્તાઓ ધ્યેયલક્ષી હોવા છતાં રસની જમાવટ એમાં સારા પ્રમાણમાં થઈ શકી છે. આ વાર્તાઓ લેખકના સીધા અનુભવમાંથી પ્રગટી હોવાને કારણે વાચકના મર્મભાગ ઉપર ધારી અસર કરી જાય છે.

સંગ્રહની વાર્તાઓ વાંચતાં જણાય છે કે વાર્તાકાર નિરાંત લઈને વાત કરવા બેઠા છે. એને લંબાણ થાય તો પણ સુંદર રીતે વાત કરવી છે અને એટલે જ આ વાર્તાઓ દિલ ઉપર ધારી અસર ઉપજાવે છે. શ્રી મધુસૂદન મોદીને જયભિખ્ખુની વાર્તાઓ એમાંના વસ્તુદર્શીપણાને કારણે સમરસેટ મો’મ કે મોંપાસાની કોટિની વધુ લાગી છે. (પુરોવચન, પૃ. ૧૫). વાર્તાકાર જયભિખ્ખુ પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ શૈલી છે. ગ્રામ અને તળપદા જીવનનો લેખકનો અનુભવ શૈલીમાં બળકટતા લાવી અને સુગ્રાહ્યતાનો અનુભવ કરાવે છે. શૈલીમાંનાં કલ્પના અને સૌષ્ઠવ વાર્તાને સુરેખ આકાર પૂરો પાડે છે. જયભિખ્ખુનો આ વાર્તાસંગ્રહ એમના સામાજિક પ્રશ્નોને છણતા વાર્તાસંગ્રહોમાં વિચારબળ, કલાનિયોજન અને ધ્યેયદર્શનને કારણે આગવો રહ્યો છે.

‘યાદવાસ્થળી’ :

નવરાષ્ટ્રના સ્થિરીકરણ અને ઉન્નતિકરણમાં ઊંડો બોધ આપતી વાર્તાઓનો સંગ્રહ ‘યાદવાસ્થળી’ શ્રી જયભિખ્ખુ પ્રસ્તાવનામાં જ કહે છે તેમ ‘માદરે વતન’ વાર્તાસંગ્રહનો અનુસંધિત સંગ્રહ છે. બે ખંડમાં વહેંચાઈને કુલ ચૌદ વાર્તાઓ રજૂ કરતાં આ સંગ્રહમાંની ‘અભિનેતા’, ‘વીરની અહિંસા’,