પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ :જીવન અને જીવનદર્શન
૧૩
 

કંઈ પામ્યા છે તે બતાવવું છે, - એવો પોતાનો સર્જકધર્મ સમજીને લખે છે. આજે જ્યારે જીવનનાં નૈતિક મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, વ્યવહારમાં અને આચારમાં અપ્રમાણિકતા, અનીતિ, ભ્રષ્ટાચાર ઘર કરતાં જાય છે, માનવસંબંધોની સચ્ચાઈ જ્યારે લાભાલાભના માપદંડે મપાઈ રહી છે ત્યારે આ લેખક પલાંઠી વાળીને જીવનનું પરમ મંગલ ગીત કલમમાંથી વહેતું રાખે, એ લેખકના વ્યક્તિત્વનું વિલક્ષણ વલણ બની રહે અને સાહિત્યકોમાં અભ્યાસપાત્ર બને એ બંનેનો મહિમા સમજાય એવો છે. નીતિપરાયણતા અને સદાચાર એ જ માનવીના કલ્યાણના રાજમાર્ગો છે એ બતાવવા એમની કલમ વણથંભી ચાલ્યે જ જાય છે અને એમનું સર્જન સંપ્રદાયની સીમાઓ વીંધીને જીવનસ્પર્શી સાહિત્ય બની રહે છે.

નવલકથા, ટૂંકીવાર્તા કે નાટક એમ કોઈ પણ સ્વરૂપની કૃતિના વસ્તુની પસંદગી દરમિયાન બે વાતનો તેઓ ખાસ ખ્યાલ રાખે છે : (૧) વસ્તુમાં રસને ઝીલવાનું કેટલું બળ છે ? (૨) એમાંથી માનવતાનું દર્શન કેટલે અંશે થાય છે ? તેઓ જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મને આર્ય સંસ્કૃતિનાં સમાન અંગ માને છે. ધર્મકથાના ખોખામાંથી તેમની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના માનવવૃત્તિઓના સંઘર્ષથી સભર પ્રાણવંતી વાર્તાઓ સર્જે છે. ધર્મની જીવનવ્યાપી હવાને કલાની મોરલીમાંથી ફૂંકવાની અને રસસિદ્ધ સૂરાવલિઓ વહેતી કરવાની ફાવટ જયભિખ્ખુને સારી એવી છે અને તેથી જ જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વને ગાળી નાખીને તેને માનવતાની સર્વસામાન્ય ભૂમિકા ઉપર સ્થાપી બતાવે છે.

જયભિખ્ખુ પ્રયોગશિલતા કે અદ્યતનતા અને નાવીન્યના આગ્રહોથી કે પ્રલોભનોથી અસ્પૃષ્ટ રહ્યા છે. પોતે માનેલા નીતિધર્મ અને સાહિત્યધર્મને કશા અભિનિવેશ વગર-પ્રામાણિકપણે અદા કરવાનો પુરુષાર્થ એ કરતા રહ્યા છે. માનવજાત માટેનો અસીમ પ્રેમ અને જીવનમાંગલ્ય માટેની શ્રદ્ધા તેમના વિપુલ સાહિત્યમાં તુલસીક્યારામાં મૂકેલા ઘીના દીવડા પેઠે ઝળહળે છે.

જયભિખ્ખુની દૃષ્ટિમાં ધર્મ અને નીતિ, સાધુતા અને નિઃસ્પૃહતા અવિરતપણે ફરફર્યા કરે છે. તે શૃંગારની વાત કરતા હોય કે શૌર્યની, ત્યાગની હોય કે નેક-ટેક ઔદાર્યની... સર્વમાં ભારતીય સંસ્કૃતિની