પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૬૫
 

‘ગોમાંસભક્ષક’, ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’, ‘રાષ્ટ્રનેતાનો ઇમાન’ વાર્તાઓ ‘ઉપવન’, ‘વીરધર્મની વાતો’ના વિવિધ ભાગોમાં કે પછી અન્યત્ર પ્રસિદ્ધ થયેલી છે જ્યારે ‘ઘરના ચિરાગ’નું વસ્તુ ‘ઉપવન’માંની ‘અમીચંદ’ વાર્તામાં રજૂ થયેલી તેજ છે. અલબત્ત, અહીં આ વાર્તા વધારે અસરકારક બની છે.

સંગ્રહમાંની ‘સંઘર્ષ’ અને ‘આમચી મુંબઈ’ એ બે વાર્તાઓ સિવાયની વાર્તાઓનું વસ્તુ વાર્તાકારે કાં તો ઇતિહાસમાંથી, કાં તો પુરાણમાંથી પસંદ કર્યું છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા એક સંઘર્ષ લઈને ખડી થઈ છે. કોઈમાં જીવનસંઘર્ષ છે તો કોઈમાં રાષ્ટ્રધર્મ કે આત્મસંઘર્ષ અને એ રીતે સંગ્રહને અપાયેલું શીર્ષક સાથે ઠરે છે.

સંગ્રહની પહેલી વાર્તા ‘યાદવાસ્થળી’ યાદવવિનાશ અને શ્રીકૃષ્ણના દેહોત્સર્ગને વર્ણવે છે. ‘પ્રેમાવતાર’ નવલકથામાં જેનું વિગતે નિરૂપણ થયું છે એવા દ્યુત અને સુરાપાનને કારણે થયેલા યાદવવિનાશને વર્ણવતી આ વાર્તા નવસર્જનને કાજે થતાં અનિષ્ટમાત્રના સંહારયજ્ઞમાં મારું-તારું નહીં જોવાની અનોખી કૃષ્ણદૃષ્ટિનો સંદેશ જગતને આપે છે. ઘણીવાર વસ્તુનો પથરાટ વસ્તુની અસરકારકતાને ઉપસાવવામાં બાધક નીવડતો હોય છે. સંક્ષિપ્તતા સચોટતાની દ્યોતક પુરવાર થાય છે. ‘યાદવાસ્થળી’ યાદવવિનાશપ્રસંગને જેટલી સુરેખ રીતે વાર્તારૂપે ઉપસાવી આપે છે એટલી સુરેખતા ‘પ્રેમાવતાર’માં નવલકથારૂપે રજૂ થયેલા આ પ્રસંગમાં જોવા મળતી નથી. વિગતોનું બિનજરૂરી ભારણ ત્યાં વાર્તાતત્ત્વની ચોટને ઉપસાવી શક્યું નથી. એકના એક વસ્તુને લઈને જયભિખ્ખુએ જ્યાં નવલકથા જેવી ઇમારત તથા ટૂંકી વાર્તા કે નાટક જેવી નકશીદાર ગોખરચના કરી છે ત્યાં નાનકડો ઘાટ વધુ કલાત્મક અને અસરકારક બન્યો છે.

મીરજાફર અને મીરકાસમની લીંબુ-ઉછાળ રાજ્યપ્રાપ્તિ અને અંગ્રેજોની ફૂટનીતિને વર્ણવતી ‘ઘરના ચિરાગ’ વાર્તા ભાઈ-ભાઈના સંહારની યાદવાસ્થળીની ઘટનાની નાનકડી પુનરાવૃત્તિ જ છે. એમાં મીરજાફર અને અમીચંદે કરાવેલા સિરાજ અને મીરકાસીમના વિનાશની કથા વર્ણવાઈ છે. સહેલાઈથી દેશદ્રોહ કરાવતો અદીર્ઘદર્શી સ્વાર્થ કેવાં વિનાશકારી પરિણામો લાવે છે તે વાર્તાકારે સરસ રીતે વર્ણવ્યું છે. યાદવાસ્થળીથી સોનાની દ્વારકાને