પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

જેમ દરિયો મળી ગયો તેમ આ કરુણ ઘટના પછી અંગ્રેજી સત્તા સોનાના ભારતને અથવા એના સોના-મૂલા સ્વાતંત્ર્યને ગળી ગઈ. તો ‘સંઘર્ષ’ની હિંદુ- મુસલમાનના કોમી હુલ્લડની વાર્તા પણ એક યા બીજા રૂપે યાદવાસ્થળીની કથા જ કહે છે. અને એનું પરિણામ તે માણસાઈની દ્વારકા પર જંગલિયાતનાં પાણી ફરી વળી જે વિનાશ વેરાયો તે જ છે.

‘આમચી મુંબઈ’ પ્રાંત પ્રાંત વચ્ચે યાદવાસ્થળી જગાડે એવા પ્રાંતવાદે સરજેલા માનસને હસી કાઢતી વાર્તા છે. વાર્તામાં વસ્તુ ન જેવું જ હોવા છતાં કહેણીને બળે વાર્તાને જયભિખ્ખુ આકર્ષક બનાવી શક્યા છે. વાર્તાની લખાવટમાં કટાક્ષ પ્રયોજી વાર્તાને યથાશક્તિ રસિક બનાવી છે.

‘વિષના પ્યાલા’માં રજપૂતોની આપ આપસની યાદવાસ્થળી અટકાવવા મેવાડની રાજકુંવરી કૃષ્ણાકુમારીએ કરેલા વિષપાનના ભવ્ય કરુણ પ્રસંગને નિરૂપે છે. વાર્તામાં કૃષ્ણાનું અદ્‌ભુત આત્મસમર્પણ સુંદર રૂપે ઊપસ્યું છે. ‘વીરની અહિંસા’ મગધ અને વૈશાલીનો વિગ્રહ વીરની અહિંસાને કારણે કઈ રીતે અટક્યો તે નિરૂપે છે તો ‘ગોમાંસભક્ષક’ સર વિલિયમ હોન્સે પ્રતિકૂળ સંજોગોમાં કરેલા સંસ્કૃતના અભ્યાસને વર્ણવે છે. ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પીડિત પરધર્મને અપાયેલા ન્યાયની કથા છે તો ‘કાફિર’માં અકબરની હિંદુઓ પ્રત્યેની ઉદાર નીતિનું નિરૂપણ છે.

‘જલમેં મીન પિયાસી’ મીનળદેવી અને કર્ણદેવ વચ્ચે પહેલી રાતે જ સરજાઈ ગયેલા અણબનાવને અને મીનળદેવીએ વિલક્ષણ રીતે વિમનસ્ક કર્ણદેવના કરેલા અનુનયને આલેખે છે. મીનળદેવીનું ગૌરવભર્યું નારીહૃદય વાર્તામાં સુપેરે વર્ણવાયું છે. ‘લવંગિકા’ એક આકર્ષક પ્રણયકથા તરીકે વાર્તાસંગ્રહમાં જુદી તરી આવે છે. સુપ્રસિદ્ધ કવિ જગન્નાથના લવંગિકા સાથેના વર્ણાન્તર-ધર્માન્તર સ્નેહલગ્નનો સમાજે કરેલો વિરોધ વર્ણવતી આ વાર્તામાં લોકવિરોધને ક્ષુદ્ર ઠરાવી તેને પરાજયથી લજ્જિત કરતું પ્રેમી યુગલનું આત્મબલિદાન કર્તાએ આલેખ્યું છે. સંગ્રહની મોટા ભાગની વાર્તાઓમાં સંઘર્ષનું મંગલાન્ત શમન થઈ જતું બતાવાયું છે જ્યારે આ વાર્તામાં એવું થયું નથી છતાં અંત વધુ પ્રતીતિકર લાગે છે.