પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

‘બ્લ્યુ’ જેવો અંગ્રેજી શબ્દ મિષ્ટ ભોજનમાંથી કાંકરી સમો બની ગયો છે કે પછી ‘ચંપક કળી જેવી આંગળીઓથી પરવાળા જેવા ઓષ્ઠને કરડતી’ (પૃ. ૪૪) જેવો ભાષાપ્રયોગ તાર્કિક રીતે પણ બંધબેસતો જણાતો નથી.

સડસડાટ ચાલી જતી લેખકની કલમ ક્યાંક વસ્તુના તાંતણામાં આવો અપ્રતીતિકર વણાટ પણ કરતી ગઈ છે. ખરી, જેમકે ‘લવંગિકા’ વાર્તામાં લવંગિકાને શાહજહાંની ‘હિંદુ બેગમની બેટી’ કહ્યા પછી તરત જ એને વાર્તાકાર ‘બાંદી’ પણ બનાવે છે ! એ જ રીતે ‘પાનીમેં મીન પિયાસી’ વાર્તામાંની કુરૂપ મીનળ કર્ણદેવ માટે સાક્ષાત્ રંભારૂપ નિશિગંધા કઈ રીતે બની ગઈ એની વાચકોને ઊપજતી સ્વાભાવિક શંકાનો પ્રતીતિકર ખુલાસો વાર્તામાંથી જ વાચકોને મળી રહે એવી જોગવાઈ કરવાનું લેખક ચૂકી ગયા જણાય છે.

શ્રી જયભિખ્ખુ એક સારા કલમબાજ છે અને તેમની પાસે તેજીલી કલમ અને વાર્તાલેખનની સારી ફાવટ છે એની પ્રતીતિ કરાવતી ‘યાદવાસ્થળી’ની વાર્તાઓ જયભિખ્ખુની લોકપ્રિય વાર્તાકાર તરીકેની પ્રતીતિ કરાવે છે.

‘લાખેણી વાતો’ :

ઈ. સ. ૧૯૫૪માં પ્રગટ થયેલો ‘લાખેણી વાતો’ શ્રી જયભિખ્ખુનો જીવનોપયોગી વાર્તાઓનો સંગ્રહ છે. લેખક પોતે અહીં એવી વાર્તાઓ લઈને આવે છે જેનો હેતુ સંસારને સારભૂત બનાવે એવો ઉપદેશ કલાત્મક ઢબે આપવાનો છે. આ વાર્તાઓનું ઉદ્‌ભવસ્થાન ક્યાંક વાર્તાકારના સ્વાનુભવોમાં, ક્યાંક અન્યના જીવનાનુભવમાં તો ક્યારેક સંતમહાત્માઓના જ્ઞાનોપદેશમાં રહેલું છે. શ્રી જયભિખ્ખુ દૃઢપણે માને છે કે કલા જીવન માટે છે. તેઓ આ સંદર્ભમાં સંગ્રહના આરંભે ‘લેખકના બે બોલ’માં કહે છે, ‘જે કલાથી જીવન જીવવાના દૃષ્ટિકોણમાં કંઈ કલાપૂર્ણ પરિવર્તન ન થાય એ કલા મારે મન સુંદર ઇન્દ્રવરણાના ફળ જેવી છે.’ (પૃ. ૪)

૨૧ વાર્તાઓના આ સંગ્રહની લાખેણી વાતોમાંથી કેટલીક જેવી કે ‘સાંપૂ સરોવર’, ‘બહુરૂપી’, ‘લોક-આત્મા’, ‘નટ’, ‘સુવર્ણમૂર્તિ’, ‘અમરફળ’, ‘રાજિયો ઢોલી’, ‘ચાવાળો છોકરો’, ‘સોમનાથનાં કમાડ’ અન્યત્રથી