પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૬૯
 

પુનરાવર્તિત થયેલી છે. આ સિવાયની વાર્તાઓમાં ‘કામનું ઔષધ કામ’, ‘લીલો સાંઠો’, ‘આંખ નાખી – આંસુ મોટું’ વગેરે નોંધપાત્ર છે.

પુરાણકાલીન લોકકથાને મળતા કથાવસ્તુવાળી ‘કામનું ઔષધ કામ’ વાર્તા કલાત્મક ઢબે કામની પીડાને દૂર કરનાર કામના મહાત્મ્યને વર્ણવે છે. ‘નવરા માણસને કામદેવ વધુ પીડે છે, કામગરા માણસ પાસે કામદેવ એનો દાસ બની રહે છે.’ (પૃ. ૨૯) એ સનાતન સત્યને વર્ણવતી વાર્તામાં કામની પીડાથી દિશાશૂન્ય બનતી પુત્રવધૂને પોતાની કુનેહથી સાચા રસ્તે વાળીને કામદેવની પીડાને સહન કરવામાં મદદરૂપ બનનાર સસરાની યુક્તિનું સુંદર આલેખન થયું છે. વાર્તામાં પ્રોષિતભર્તૃકા પુત્રવધૂ રોહિણીનું પતિવિયોગે કામની પીડાથી દિશાંધ બની ભદ્ર તરફ થતું ખેંચાણ, એને એ રસ્તેથી ઉપદેશ આપીને કે પછી કુપિત થઈને પાછી વાળવાને બદલે હૃદયની સાચી પ્રતીતિથી પાછી વાળવામાં મદદરૂપ થનાર સસરાના પાત્રનું આલેખન હૃદયંગમ છે.

લેખકના વાસ્તવ આયનામાં સમાજના વિવિધ વર્ગોના ઝિલાયેલાં વરવાં-ગરવાં રૂપોને વર્ણવતી ‘રામ રેઢા પડ્યા નથી’ વાર્તા એક કટાક્ષકથા છે જેમાં એક ભિખારીને નિમિત્ર બનાવીને જયભિખ્ખુએ સરકાર, ઇન્કમટેક્ષ, સમાજનો શ્રીમંત વર્ગ, ડૉક્ટર, ભિખારીઓ, દયા, સદાચાર વગેરે ઉપર કટાક્ષનાં તાતાં તીર વરસાવ્યાં છે. વાર્તાકારની કલમ અહીં વાર્તાકલાને ભોગે પણ કટાક્ષના તીખા બાણ છોડવાનું ચૂકતી નથી.

સદ્-અસદ્ વૃત્તિઓ વચ્ચે અટવાતા માનવીની ઉદાત્ત જીવનને પામવાની મથામણ, કુટુંબની નાવને વૃત્તિઓના ઝંઝાવાતી તોફાનની વચ્ચે સ્થિર રાખવા માટે મથતા કુટુંબના વડેરાઓની ચિંતા, પ્રયત્ન અને સંઘર્ષને વર્ણવતી ‘લીલો સાંઠો’ વાર્તા જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાંની એક છે. વાર્તામાં મરતા પિતાને આપેલું વચન પૂરું કરવા જતાં પુત્ર સુંદરને પોતાનાં જ સ્નેહીજનો, ખુદ પત્ની સાથે થતો સંઘર્ષ, પોતાનું દામ્પત્યજીવન જોખમમાં મૂકીને પણ યુવાન વિધવા માની કાળજીભરી જાળવણી, સુંદરની પત્નીનું પતિને સમજ્યા વિના પતિ તથા સાસુ સાથેનું બેહૂદું વર્તન, લીલા સાંઠા જેવી યુવાન વિધવા માને વૃત્તિઓના ઝંઝાવાતી તોફાનમાંથી બચાવવા માટે સુંદરનું કુશળતાભર્યું આયોજન, પુત્રની મહાનતાના પરિચયે ગજરામાં