પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

આવતું પરિવર્તન વાર્તાકારે કુશળ રીતે નિરૂપ્યાં છે. લીલો સાંઠો અહીં કાચી કુમળી યુવાનીનું પ્રતિક બનીને આવે છે. કુટુંબની નાવને ખરાબે ચડતી રોકવા વૃદ્ધ વયે કુમળી કન્યા સાથેનું લગ્ન એ જેમ વાર્તારંભે જગાશેઠના પાત્રને કાલપ લગાડનારું છે, જગાશેઠની યુવાન પત્ની ગજરાની જેમ ભાવક પણ જગાશેઠના આ વર્તનને માફ કરી શકતો નથી પણ મરતી ઘડીએ પુત્ર સમક્ષ પિતાએ કરેલો ખુલાસો અને એ કારણે પિતાની હૃદયવેદનાને સમજી ગજરાની યુવાનીને વિમાર્ગે જતી રોકવા ક્ષણેક્ષણનું ચોક્સાઈભર્યું અને છતાંય કોઈને સહેજ પણ ખ્યાલ ન આવે એવું સુંદર વર્તન વાર્તાકારની કુશળ કલમે સરસ આલેખાયાં છે.

ઘણીવાર અતિ વહાલપ માનવજીવનને કેવું વિષમય બનાવી દે છે તે વર્ણવતી ‘આંખ નાની આંસુ મોટું’ વાર્તાની ઘટના પરંપરાગત ખ્યાલને આઘાત આપનારી છે. માનવીની અંદર એને પોતાને પણ ખબર ન હોય એવું છુપાયેલા દાનવીય તત્ત્વને પ્રગટ કરી એનો કરુણ અંજામ નીરુપતિ આ વાર્તામાં ખુદ માતા દ્વારા પોતે જેને અતિશય પ્રેમ કરતી હતી એ પુત્રને વિષપાન કરાવ્યાની ઘટના વર્ણવાઈ છે. પુત્રવધૂનો પોતાના જ પુત્ર તરફનો અતિશય પ્રેમ સહન ન કરી શકતી એક માતા હૃદયની ઝંઝાવાતી વૃત્તિઓના તોફાને કેવી દિશાંધ બની ખુદ નાગણી બની પુત્રને ભરખી જાય છે. તેનું મનોવિશ્લેષણાત્મક નિરૂપણ વાર્તાકારે કર્યું છે. વાર્તાના ત્રણે પાત્રો અન્યોન્ય ઉત્કટ પ્રેમ કરતાં હોવા છતાં એ પ્રેમ જ ત્રણેના સર્વનાશનું નિમિત્ર કઈ રીતે બને એ નિરૂપતી ‘આંખ નાની આંસુ મોટું’ સંગ્રહની એક કરુણાંત વાર્તા છે.

‘આંખ નાની આંસુ મોટું’ મમતાની દિશાંધ વિગતિ વર્ણવે છે તો ‘મા એ મા’ મમતામયી માતાનું એવું સ્નેહલ સ્વરૂપ ઉપસાવે છે જે પુત્ર માટે મૃત્યુનો ઘંટ પણ હસતાં મુખે ગળી જાય છે. પુત્રના જીવનરક્ષણ માટે શીલને ફગાવતી, પુત્રની જીવનોન્નતિ માટે મમતાને ફગાવતી અને પુત્રના કુળાભિમાનને જાળવવા જીવનને ફગાવતી એક દુનિયાની નજરે બદનામ પણ મમતાની મહાન મૂર્તિનું આલેખન વાર્તાકારે આ વાર્તામાં કર્યું છે. ‘આંખ નાની આંસુ મોટું’માં પોતે ઉછેરેલા પુત્રના પ્રેમની પોતાને જ સર્વાધિક માલિક માનતી મા જ્યારે એ પ્રેમમાં કોઈની ભાગીદારી વહેંચવાની આવે છે ત્યારે ન સહન થતાં પુત્રને વિષપાન કરાવે છે. અહીં કોઈ ધનિકને ત્યાં