પરંપરામાંથી વહેતી આવેલી વિશાળ ધાર્મિકતાનાં રંગછાંટણાં હોય છે. એમની દૃષ્ટિ સાંપ્રદાયિક હશે પણ સાંકડી નથી. જીવનના અને સંસ્કૃતિના ઉદાત્ત ગુણોની પૂજા તેમના સાહિત્યનું સર્વમાન્ય લક્ષણ છે. તે મુસ્લિમ સમયનું શબ્દચિત્ર આલેખતા હોય કે બૌદ્ધ સમયનું પ્રસંગદર્શન કરાવતા હોય, કોઈ નર્તકીની મિજલસનું વાતાવરણ સર્જતા હોય કે જૈન સાધુની તપતિતિક્ષાનું ગદ્યકાવ્ય પીરસતા હોય સર્વત્ર એમની દૃષ્ટિ સાત્ત્વિક છે.
જયભિખ્ખુ સાહિત્યને ચરણે વિપુલ વૈવિધ્યવંતા સાહિત્યનો જે રસથાળ ધરી શક્યા છે એના મૂળમાં પ્રત્યેક મનુષ્યના ઊંડાણ સુધી પહોંચવાની તેમની દૃષ્ટિ જોઈ શકાય છે. તેમને મન દરેક મનુષ્ય એક એક વાર્તા કે નવલકથા છે. લેખકનું પરિચિત વર્તુલ સમાજના દરેક ઘરને અડતું હોય છે. તેઓ જેના સંગમાં આવે છે તેનામાં ઊંડો રસ લઈ માણસાઈભરી લાગણીથી તેનું જીવન જોઈને, સાહિત્યકારની તટસ્થ ન્યાયવૃત્તિ દાખવીને સુંદર આલેખન કરે છે. બહુજનસમાજનો સંસર્ગ તેમની કૃતિઓને વૈવિધ્ય અને રસિકતા આપે છે.
જયભિખ્ખુ મુખ્યત્વે માનવતાવાદી છે. માનવના અવશ્યંભાવી ઉત્કર્ષમાં તેની ઊર્ધ્વગતિ અને શ્રેષ્ઠ પરિણતિમાં તેમને વ્યાપક વિશ્વાસ છે. સદ્દગુણો પર આશ્રિત માનવતાની સર્વોચ્ચ પ્રતિષ્ઠાના તેઓ નિષ્ઠાવાન ઉપાસક છે. તેમણે આલેખેલું પામરમાં પામર પાત્ર પણ તેના યત્નના ચરમ અંધકારમાં જ્યોતિની ક્ષીણતમ રેખાનાં દર્શન દીધા વગર વિદાય થતું નથી. પામરના પતનથી અનિવાર્યતાનો સ્વીકાર કરવા છતાં લેખક તેને ઠોકર ખાવાની તક આપીને ફરીથી કાદવમાં ખૂંદતા નથી. તેમની નૈતિકતા પડેલાને પાટુ નથી મારતી, તેને વહાલ કરે છે. એમ લાગે છે કે આ જ નૈતિકતા કરૂણતામાં અવગાહન કરી વારંવાર કહે છે : ‘ઊઠો, ફરીથી જીવન શરૂ કરો.’ અનંત સંભાવનાઓનું બીજું નામ જ તો જીવન છે. તેમના તીવ્ર વ્યંગમાં, તીક્ષ્ણ કટાક્ષમાં અને ધિક્કાર સુધ્ધમાં કરુણાનું પ્રસન્ન મંગલ દર્શન કરી શકાય છે.
સતત ચાલીસ વર્ષ સુધી કલમની ઉપાસનાએ એમની કીર્તિને ઉજાળી છે અને એમના જીવનને સતત વિકાસશીલ બનાવ્યું છે. સરસ્વતીને ખોળે માથું મૂકનાર જો થોડાક સંતોષી અને સહનશીલ હોય તો માતા સરસ્વતી