પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

લેખકજીવનના એક અનુભવને વર્ણવે છે. ખાન શાહઝરીન નામના ચોકીદારની ફરજ પ્રત્યેની સાચી અને ઉત્કટ લગનને અભિવ્યક્ત કરતી આ વાર્તા સાચી ભાવનાથી કામ કરનારના રખવાળા રામ દ્વારા થાય છે એ સંદેશને કથે છે.

વાર્તા સૌરભનો બીજો ભાગ આરંભાય છે ‘વનરાજ’ વાર્તાથી. જેણે પોતાના અંતરના ધાવણ ધવરાવ્યાં હતાં એવી ક્ષત્રિયાણીને પુત્રમોહ ત્યજવાનો ઉપદેશ આપનાર સાધુ શીલગુણસૂરિ પોતે શિષ્યમોહમાં એવા અંધ બને છે કે જેને કારણે અંતરથી રાજસી ગુણોવાળો વનરાજ સાધુના સમતાગુણે રંગાતો નથી ત્યારે અથાક દુઃખ અનુભવે છે. પણ છેવટે એમને સમજાય છે કે માનવીના જન્મજાત સંસ્કારોને ફેરવી શકાતા નથી. અંતરથી વિરક્ત થવા ઝંખતો પણ જન્મગત રાજસી સંસ્કારોમાંથી ન છૂટી શકતો વનરાજ અને શિષ્યમોહથી મોહિત જૈન ગુરુનાં પાત્રો સુંદર ઊપસ્યાં છે. ‘સિંહપુરુષ’ વાર્તા દ્વારા નગરીના રાજકુમાર કાલક, જેની પાસે સૃષ્ટિ. સિંહારિણી સિંહનાદી મંત્રશક્તિ હતી એનું જૈન સાધુના એકમ માત્ર પ્રશ્ને ‘હાથીને મારી શકવાના સામર્થ્યવાળા તમે એક કીડીને જીવાડી શકશો ખરાં ?’ અહિંસા - માર્ગે થતું પરિવર્તન આ વાર્તામાં સરસ રીતે નિરૂપાયું છે. દેશને માટે પ્રાણ આપનાર, અંગ્રેજ શાસનને હંફાવનાર તાત્યાટોપેના સમાધિ સ્થળને નિમિત્ત બનાવી તાત્યાના જીવનના વિવિધ પ્રસંગોને આધારે એક દેશપ્રેમી નરવીરનું શબ્દચિત્ર ઉપસાવતી ‘ટોપીવાળાની સમાધ’ વાર્તા પણ સંગ્રહની સારી વાર્તા છે. ‘સંતોનો સંઘ’ વાર્તા એની આગવી કથા પદ્ધતિથી, રજૂઆતના જુદા જ દૃષ્ટિકોણથી તથા એમાં રહેલા ઉમદા રૂપકથી જુદી તરી આવે છે. આખઈયે વાર્તા નાયકને થતાં સ્વપ્નદર્શનરૂપે ૨જ થઈ છે. અટકચાળા મનમાં અઢસઠ તીરથ કરવાની ઝંખના જાગી, મન સાથેની યાત્રામાં જોડાવા ગણેશ, કાર્તિકેય, એકનાથ, નામદેવ, શ્રવણ, કબીર, તુલસી, અખા વગેરે હાજર થઈ ગયા. યાત્રાનો આ વિશિષ્ટ સંઘ ઉપડ્યો. આ વિશિષ્ટ સંઘને કાબૂમાં રાખવાનું કેટલું અઘરું હતું એ વાર્તાનાયક એક જ દૃષ્ટાંતથી વર્ણવે છે, ‘મેં ભાર તો માથે લીધો, પણ શંકર ભગવાન ભૂતગણને કાબૂમાં રાખે એનાથી પણ આ જુદી જુદી ખોપરીઓને સંભાળવાનું કામ દુષ્કર હતું.’ (પૃ. ૨૪), યાત્રાસંઘમાં થતા જુદા જુદા