પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૭૭
 

અનુભવોરૂપે લેખકે તે તે મહાન વ્યક્તિઓના જીવનમાં ઘટેલી નોંધપાત્ર ઘટનાઓને વણી લીધી છે. યાત્રાસંઘો તો અનેક નીકળે છે પણ સંતોનો આ સંઘ એમ જ સંગમાં રંગથી ભાવકની માનસયાત્રાને કેવી મઘમઘાવી મૂકે છે એ તો વાર્તા વચ્ચેથી જ અનુભવી શકાય ! સમાજવાદી વિચારધારાવાળું લેખકમાનસ ‘ચાવાળો છોકરો’ શ્રમજીવી વર્ગની દુઃખ-દારિદ્રભરી જિંદગીના એક રૂપને ખુલ્લું કરે છે. ટ્રેનમાં ફરીને ચાની ફેરી કરતાં છોકરાના અંગત જીવનની વેદનાકથા વાર્તાકારે અહીં એવી મંગળમય ઢબે વણી છે કે વાર્તા વાંચ્યા પછી વેદના તો થાય છે પણ હતાશા આવતી નથી. વાર્તામાં દસ વર્ષના લઘર-વઘર છોકરાની જવાંમર્દી વાર્તાકારે સરસ ઉપસાવી છે. દુઃખ એને દાબી શક્યું નહોતું. પરિસ્થિતિ એને અકળાવી શકી નહોતી, નિરાશા એને સ્પર્શી શકી નહોતી. એની એક જ ઝંખના છે, બીજું કંઈ દુઃખ નથી, પમ આ લંગડીબહેનને ભીખ માગવી પડે છે, એ બહુ ખટકે છે. ‘ઝટ મોટો થાઉં ને મોટી મજૂરી કરી એને ભીખમાંથી છોડાવું !’ (પૃ. ૭૧), ‘સાપૂ સરોવર’ લોકકથામાં છુપાયેલા ઇતિહાસને વર્ણવતી વાર્તા છે. રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ કર્નલ જેમ્સ ટોડને જોધપુર પાસે આવેલા સાંપૂ ઊર્ફે સર્પ સરોવરને જોઈને એનો ઇતિહાસ જાણવાની ઝંખના જાગે છે ત્યારે નજીકની ગુફામાં રહેલા ૧૧૦ વર્ષના યોગી સરોવરનો વેરઝેરથી યુક્ત ઇતિહાસ તો નહીં પણ એના સંદર્ભે પ્રચલિત લોકકથાને બતાવે છે. પીપલીયા ગામ જ્યાં આ સરોવર આવ્યું છે, ત્યાં જૂના વખતમાં વૈભવશાળી પીપલનગર હતું. એ નગરના પીપાબ્રાહ્મણે નગર છેવાડે આવેલા તમામ કિનારે વસતા તક્ષત નાગને હંમેશ દૂધ પિવડાવ્યું. બદલામાં નાગે બે સોનામહોર આપેલી. પણ પૈસાના લોભી એવા બ્રાહ્મણપુત્રે નાગને મારી નાખી સોનામહોરના ખજાનાને લૂંટી લેવા ઇચ્છ્યું. પરિણામે એને મૃત્યુ મળ્યું. વાર્તાની વિશેષતા એ બાબતની રજૂઆતમાં છે કે બ્રાહ્મણે પુત્રને માર્યાના વેરનો બદલો વેરથી લેવાને બદલે નાગને ક્ષમા દઈને લીધો તો એને ખજાનો મળ્યો, જેમાંથી આ સરોવર બંધાયું વેર નહીં પ્રેમ જ સૌને એકબીજા સાથે સાધે છે એ સૂર વાર્તાના કેન્દ્રમાં છે. ‘શું માગું ?’ જયભિખ્ખુની કેટલીક સારી વાર્તાઓમાંથી એક છે. મંત્રીશ્વર વિમલ અને શ્રીદેવીના જીવનોત્કર્ષની પરમ મંગલકારી ઘટનાને વર્ણવતી આ વાર્તા દંપતીની સંતાનપ્રાપ્તિની ઝંખના અને વંધ્યત્વના