પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૯
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
 

વાર્તા ‘વિદ્યાપ્રીતિ’ વિશિષ્ટ પ્રકારની કથનશૈલી અને ગદ્યશૈલીમાં લખાઈ છે. જેને કારણે હિંદુઓએ પોતાની જાતે પોતાનું પતન વહોર્યું એ મિથ્યાભિમાનીપણાને જેમ વાર્તા વર્ણવે છે તેમ માનપમાનો વેઠીને પણ એક વિદ્યાર્થીને શોભતી નમ્રતા, જિજ્ઞાસા ને જહેમત દ્વારા સંસ્કૃત ભાષાસાહિત્યના અંતરંગને પામીને જગતઆંગણે ભારતીય સાહિત્યને ગૌરવવંતુ બનાવનાર સંસ્કૃતના પ્રખર અભ્યાસી સર વિલિયમ જ્હોન્સની વાત કરે છે. અંગ્રેજોને ગોમાંસભક્ષક ગણીને એમનો છોછ રાખનાર હિંદુઓ પોતે વાસ્તવમાં ગૌમાંસ ભક્ષણથી પણ અધિક ખરાબ પ્રવૃત્તિઓ કરતા હતા એનું નિરૂપણ લેખકે કટાક્ષયુક્ત રીતે વાર્તામાં કર્યું છે.

વાર્તાસૌરભના બંને ભાગોમાંની વાર્તાઓ વાર્તાકારની કલમના વિષય વૈવિધ્યનો નોંધનીય પરિચય કરાવે છે. અહીં ‘હમીરહઠ’ (ભા.૧), ‘દેરાણી- જેઠાણીનો ગોખ’ (ભા. ૧), ગુર્જર ચક્રવર્તીનો ન્યાય (ભા. ૧), વનરાજ (ભા. ૨), શું માંગુ (ભા. ૨), અમાનત (ભા. ૨) જેવી ઇતિહાસકથાઓ છે. તો સાથે સાથે દંતકથા, લોકકથા જેમાં સચવાઈ હોય એવો લોકકથામય ઇતિહાસ વર્ણવતી ‘રાજિયો ઢોલી’ (ભા. ૧), બહુરૂપી (ભા. ૧), ‘સાંપૂ સરોવર’ (ભા. ૨), પણ છે. રંગ છે સવા-સોમાને (ભા. ૧) સંપૂર્ણપણે લોકકથા છે. ઇતિહાસની જેમ પુરાણકાલીન કથાનકને પણ વાર્તાકારે વિષય બનાવી વાર્તાઓ સરજી છે જેમકે ‘મુનિ, મૃગ ને મુસાફર’ (ભા. ૧) ‘અન્ન એવો ઓડકાર’ (ભા. ૧), ‘સિંહપુરુષ’ (ભા. ૨). ભગવાન બુદ્ધની જાતકકથાઓ પણ કથાવિષયનું રૂપ અહીં પામી છે. ‘લોકઆત્મા’ (ભા. ૧), ‘મધુબિંદુ’ (ભા. ૨) આવી વાર્તાઓ છે તો ‘અનામી શહાદત’ (ભા. ૧) શૌર્યકથા છે. રાષ્ટ્રનેતાનો ઇમાન (ભા. ૨), પોટીવાળાની સમાધ (ભા. ૨) દેશપ્રેમ વર્ણવે છે, તો ‘લક્ષ્મીનું વશીકરણ’ (ભા. ૧), ‘મૂવે મોટી પોક’ (ભા. ૨), વિદ્યાપ્રીતિ (ભા. ૨), સમાજજીવનના વરવા-ગરવા રૂપોને પ્રગટ કરે છે.

વાર્તાકાર જયભિખ્ખુએ પોતાની વાર્તાના વસ્તુ માટે ઇતિહાસ, પુરાણ, સમાજ કે રાષ્ટ્રમાંથી એવા પ્રસંગોને પસંદ કર્યા છે કે જે પ્રસંગ પોતે જ રસદાયક હોય. પ્રસંગની પસંદગીમાં જ વાર્તાકારની સફળતાનો અડધો ભાગ તો આવી જાય છે. જયભિખ્ખુ રસભરપૂર વસ્તુ પસંદ કરીને પછી પાત્ર,