પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૦
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

પ્રસંગ કે વાતાવરણને એકબીજા જોડે સાંકળી લે તેવા માનવભાવ કે રસકેન્દ્રની આસપાસ તેની ગૂંથણી કરે છે. જેમ કે ‘વાર્તાસૌરભ’માંની મોટાભાગની વાર્તાઓ કોઈને કોઈ જીવનભાવનાને અભિવ્યક્ત કરે છે. વાર્તાઓના મૂલ્યાંકનમાં આ વાત આપણે જોઈ જ છે.

ટૂંકમાં વાર્તાસૌરભના બંને ભાગોમાંની વાર્તાઓ ઊછરતી પેઢીને મસ્ત જીવનરસ પાય તેવી અને તેમની સાહિત્યરુચિને સંસ્કારે તેવી છે. એમાંનું વસ્તુ વૈવિધ્યયુક્ત છે. પાત્રનું જીવતું જાગતું ચિત્ર આપીને પ્રસંગનો આબેહૂબ ચિતાર વાર્તાકારે વાચકચિત્તને હલાવી મૂકે એ રીતે અહીં કર્યો છે. તો વાર્તાકારની સચોટ અને જીવંત બળવાળી ભાષા વાંચનારના હૃદયને વીંધે એવી છે. ધીરુભાઈ ઠાકર - સંપાદિત આ વાર્તા સૌરભના ભાગો જયભિખ્ખુની વાર્તાકાર તરીકેની વિકાસ યાત્રાનો વિશેષતા ભર્યો ઇતિહાસ વર્ણવે છે તેમ ધીરુભાઈ સંપાદક તરીકેના ગુણોને પણ પ્રગટ કરે છે.

‘અંગના’ :

શ્રી જયભિખ્ખુના સ્ત્રીલક્ષી વાર્તાસંગ્રહોમાંનો આ ચોથો વાર્તાસંગ્રહ ‘અંગના’ નારીજીવનના વરવાં-ગરવાં રૂપોનો પરિચય કરાવતો ૧૯ વાર્તાઓનો સંગ્રહ છે. છેક પુરાણકાળથી માણસ સ્ત્રીના સ્થાનની, મહત્તાની ચર્ચા કરતો આવ્યો છે પણ હજી એનો નિર્ણય એનાથી થઈ શક્યો જણાતો નથી. અનાદિકાળમાં ઋષિ-મુનિઓએ સ્ત્રી ઉપર કેટલાંક બંધનો મૂક્યાં, એને માટે કેટકેટલા નીચિનિયમો ઘડ્યા છતાં એનું ગૌરવવંતું સ્થાન એમનાથી સિદ્ધ થઈ શક્યું નહી. સામે પક્ષે અર્વાચીનકાળમાં નવ – મુનિઓએ સ્ત્રીને કેટલીક છૂટછાટો આપી. સ્ત્રીને મુક્ત કરવા વિવિધ પ્રકારના કાયદા-કાનૂનો ઘડ્યા પણ તો ય સ્ત્રીનું સ્થાન એમના દ્વારા સિદ્ધ થઈ શક્યું નહીં. જૂની સ્ત્રીનું જીવન પુરુષપ્રધાન સંસ્કૃતિમાં ગમાણના ઢોરની ને જેલના ચોરથી બદતર બન્યું. અર્વાચીનકાળે પુરુષ સ્ત્રીને સાવ છૂટી મૂકી. ધીમે ધીમે એ પુરુષની સમોવડી બની અને એમાંથી પુરુષસ્પર્ધિની પણ.… એ પૈસાથી સ્વતંત્ર થઈ, કુટુંબ-જંજાળથી મુક્ત થઈ પણ આ બંને દશામાંથી એકેયમાં એનું આત્મસંમાન સહજ રીતે ખીલ્યું નહીં. રૂપફેરે એ ભોગની અને શોખની વસ્તુ જ રહી.