પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૮૩
 

ભાવનાની આડ લઈ આંગણે આવેલા કુંવર ઉદયસિંહને પોતાને ત્યાં આશ્રય આપવા માટે આનાકાની કરતો હતો એ સમયે આ શૂરવીર ક્ષત્રિયાણીએ એને માનવીનો સાચો ધર્મ સમજાવી સ્વકર્તવ્યની દીક્ષા આપી. આ વાર્તા પન્નાદાઈ અને નાપિત ભગા જેવા નાના માનવીના મોટા સમર્પણને તો આલેખે છે જ પણ સાથે સાથે ક્ષત્રિયવર્ગની દીનતા, હીનતા અને કાયરતાને પણ કથે છે. ઇતિહાસના આ શ્વેત -શ્યામ રૂપને વર્ણવતા સર્જકની પ્રસ્તુત વાર્તાના કેન્દ્રસ્થાને તો રહે છે નારીના ગૌરવશીલ પ્રેરણામય રૂપનું દર્શન જ.

સાચું જ્ઞાન વય કે વંશને જોતું નથી. નિરભિમાનીપણું અને હૃદયનો સાચો પશ્ચાત્તાપ એને પામવાની સીડી બને છે. એ ધ્વનિને પ્રગટ કરતી ‘રૂપજ્યોતિ’ વાર્તા વત્સદેશની રાણી મૃગાવતીને એમના સાધ્વીપણા દરમિયાન એમના ગુરુ જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ ચંદનાથી વહેલું ત્રિકાળજ્ઞાન કયા કારણે લાધ્યું છે એ રસપૂર્ણ રીતે વર્ણવે છે. વાર્તામાં સાધ્વી ચંદનાનો સંયમ, શીલ અને જ્ઞાનનો ગર્વ તથા સાધ્વી મૃગાવતીનું નમ્ર, પ્રાયશ્ચિતની આગમાં પ્રજ્ળતું હૃદય સુંદર રીતે ઉપસ્યાં છે. આ જ કથાવિષયને લઈને જયભિખ્ખુએ ‘પ્રેમનું મંદિર’ નવલકથા પણ લખી છે. જૈનધર્મનું વાતાવરણ નવલકથાને ક્યાંક સાંપ્રદાયિકતાનો સંસ્પર્શ કરાવે છે.

‘અનારાં દેવી’ એક એવી નારીના હૃદયાભિરામ સૌંદર્યને પ્રગટ કરે છે જે ક્ષત્રિયકુળમાં જન્મી ન હોવા છતાં, પોતાના પતિની અંગવસ્ત્ર હોવા છતાં પતિને અને પતિના પ્રિયજનોને અનહદ પ્રેમ કરતી હતી. પોતાના પતિના નામને અકલંકિત રાખવા માટે જેણે હસતાં હસતાં મીરાંની જેમ વિષ પીને પોતાની કાયાને રાજાના કાવાદાવાના આટાપાટામાં હોમી દીધી હતી. એનું નામ તો અનારાં દેવી. રાજસ્થાની ઇતિહાસમાં આજથી બસો વર્ષ પહેલાં થયેલાં મહારાજ જસવંતસિંહની એ ઓરમાન મા હતી. યવન સ્ત્રી હોવા છતાં જશવંતસિંહને રાજ્યસિંહાસન અપાવનાર આ માતાએ પોતાના બલિદાનથી, પ્રેમથી મારવાડના ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું હતું.

આછાપાતળા કથાવસ્તુવાળી ‘શરાફત’ વાર્તામાં એક તવાયફને શરાફતનો ફાયદો, કલાવંતની દુનિયા નીતિનિયમનો પદાર્થપાઠ અપાય છે. પ્રાચીન કાળમાં ગણિકાની સંસ્થાનું સમાજમાં ગૌરવભર્યું સ્થાનમાન હતું.