પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

રાજકાજમાં એની એક આગવી કામગીરી હતી. એની જ પ્રતિનિધિ સમાન આજની ગણિકા સંસ્થા જેમાં કલાનું સ્થાન કલદારે લીધું છે, કલાની ગણનામાં કલદારનું માન વધ્યું છે એ તરફ પોતાનો આક્રોશ પ્રગટ કરતી આ વાર્તામાં લેખક પાત્રમુકે કહે છે, ‘કલા ખોટી નથી, એનું બેસણું હીણું છે. હીન બેસણાથી કલા હીન બની છે.’ (પૃ. ૮૪).

‘ફૂલાંદેનો ચૂડો’ એક એવી નારીના મૂક અને ભાવનાભર્યા પ્રેમની કથા છે જેણે પોતાના પ્રેમની શાન નિભાવવા અન્યને પરણ્યા છતાં અખંડ શીલ જાળવ્યું. સાથે સાથે આ વાર્તા એક એવા નીતિમાન યુવાનની વાત લઈને આવે છે જેણે પોતાની પરણેતરને તે અન્યને ચાહતી હોવાને કારણે બહેન માની એના શીલની રક્ષા કરી એટલું જ નહીં, પણ એના ચૂડાની રક્ષા કાજે પ્રાણાર્પણની પણ તૈયારી બતાવી. જોધપુરમાં લોકહૃદયના સિંહાસને વિરાજેલા રાવ દુર્ગાદાસને મનથી વરી ચૂકેલી યુવતી ફૂલાંદેને લગ્ન સાવનસિંહ નામના યુવાક સાથે કરવું પડે છે. પણ મનના સ્વામીની પ્રીત જાળવવા એ સાવનસિંહ સમક્ષ શીલરક્ષાની વિનંતી કરે છે અને એનું શીલ સાવનસિંહ દ્વારા અખંડ રહે છે. એટલું જ નહીં પણ ખરે ટાણે દુર્ગાદાસને મારી નાખવાનું કાવતરું કડીબદ્ધ રીતે ખુલ્લું કરી તે એનો પ્રાણ પણ બચાવે છે. પ્રેમ એટલે માત્ર ભોગ નહીં, પ્રેમ એટલે સ્વાર્થ નહીં, પ્રેમ એટલે અન્યને કાજે ખપી મરવાની તમન્ના, ઉદાત્ત શીલની રક્ષા કાજે આ વાર્તાનાં પાત્રો જે રીતે મથે છે એ નિરૂપણ વાર્તાને સંસ્કારની એક અનેરી સૌરભ બક્ષે છે.

રોમન રાજ્યને પ્રજાસત્તાક બનાવનાર રૂપસુંદરી લુકેસિયાના બલિદાનને નિરૂપતી ‘સુંદરીનું બલિદાન’ વાર્તામાં રાજાશાહીનો વિનાશ એની પોતાનામાં રહેલી બદીઓને કારણે કેવી રીતે થયો એનું નિરૂપણ થયું છે. એક સુંદરીના શીલની હિંમત હજારો યોદ્ધાઓના બલિદાનથી પણ અનેકગણી ચડિયાતી છે. જ્યાં સ્ત્રીનું શીલ રક્ષાતું નથી, જે સત્તા પોતાની બહેન, દીકરીની ઇજ્જત રક્ષી શકતી નથી એને ટકવાનો કોઈ હક્ક નથી એ સૂચવતી આ વાર્તા એક નારીનું બલિદાન પ્રજામાં કેવા જુવાળને પ્રગટાવવાનું નિમિત્ત નીવડે છે તે નિરૂપે છે.