પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૮૫
 


નારીના એક નરવા રૂપનો પરિચય કરાવતી ‘વીરાંગના’ વાર્તા આત્મસમર્પણ દ્વારા પોતાના દેશને બચાવવાનો પ્રયત્ન કરનાર ચીની યુવતીની સાહસકથાને શબ્દરૂપ આપે છે. જાપાન સામેના યુદ્ધ સમયે ચીની યુવતી મારા એક મોટા લશ્કરને પોતાની બુદ્ધિશક્તિથી કઈ રીતે થાપ આપે છે તેનું નિરૂપણ વાર્તામાં સ્વદેશપ્રેમની સુગંધ લહેરાવે છે.

‘અનામી’ વાર્તામાં પણ એક એવી જ યુવતીની વાત છે જેણે દેશને માટે આત્મભોગ આપી જાસૂસ તરીકેની કામગીરી બજાવતાં બજાવતાં મોતને પસંદ કર્યું પણ દુશ્મનને કોઈ માહિતી ન આપી.

નારીલક્ષી વાર્તાસંગ્રહની ‘રાધા ને કહાન’ વાર્તામાં નારી કેન્દ્રસ્થાને નથી. શીર્ષક ઉપરથી તો આપણને એમ જ લાગે કે અહીં રાધા કેન્દ્રસ્થાને હશે. રાધાની વાત અહીં આવે છે પણ ખરી, પણ અહીં તો સાધુ દ્વારા પોતે સ્વીકારેલા નિયમને ખાતર પોતાને મળેલું સર્વસ્વ સમર્પણ કરનાર એક ગરીબ કઠિયારાની વાત કેન્દ્રસ્થાને છે. આ વાર્તા એમાંના પ્રસંગનિરૂપણને કારણે જૈન ઉપદેશકથા જેવી વધુ લાગે છે. વાર્તામાં લંબાણ એટલું બધું થઈ ગયું છે કે એને કારણે કથાતત્ત્વ કથળી જાય છે. જૈન ધર્માનુસાર કર્મ જ મનુષ્યના સુખદુઃખનું નિમિત્ત છે, સારા કર્મ કરનારો સારું અને ખરાબ કર્મ કરનારો ખરાબ ફળ મેળવે છે એ સૂચવતી આ વાર્તામાં મહાન કઠિયારાની નીતિમાર્ગે ચાલતાં કેવી ઉન્નતિ થઈ એ વાર્તાકારે નિરૂપ્યું છે. સાથે સાથે રાધા જે એક ગણિકા હોવા છતાં પણ અણહકનું ન લેવાની કેવી ઉદાત્ત ભાવના ધરાવતી હતી એના પાત્રનો પણ લેખકે ટીક ઉઠાવ આપ્યો છે.

શ્રમણોપાસકે સત્ય હોય તો પણ અપ્રિય લાગનારું કે અનિષ્ટ કરનારું સત્ય ન બોલવું જોઈએ. માણસ પોતે ઇષ્ટ કે અનિષ્ટ કંઈ કરી શકતો નથી. એને કર્મમાં પ્રેરનારી એની વૃત્તિઓ છે. એટલે પાપ પર દ્વેષ હોઈ શકે, પાપી પર નહીં એ સંદેશ આપતી ‘અણગમતી’ વાર્તા રાજગૃહીના પ્રૌઢ મહાશતક અને એની રૂપજોબન-મસ્ત યુવાન પત્ની રેવતીની કથાને વાચા આપે છે. જીવનની ઉત્તરાવસ્થાએ સુકુમાર કળી સમી રેવતી સાથેનું મહાશતકનું લગ્ન થોડા જ સમયમાં એના જીવનમાં કેવી વિટંબણા સર્જે છે, ભગવાન મહાવીરનો ઉપદેશ મહાશતકને સાધુ ધર્મ તરફ વાળે તો છે પણ