પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૯૨
 

'સતની બાંધી પૃથ્વી' :

આ પૃથ્વી ગણતરી કરનારા વૈશ્યો પર, માથા સાટે માથું માંગનાર ક્ષત્રિયો પર કે પેટ કાજે આશીર્વાદ આપનાર બ્રાહ્મણો પર નથી ટકી. એ તો ટકી છે પૃથ્વીને સત્ ને બંધને બાંધીને જાળવનારા આધ્યાત્મિક ઓલિયાઓ પર. પરને કાજે કશી પણ અપેક્ષા વગર સર્વ સમર્પણ કરનારા આ ઓલિયાઓમાં રહેલું સત્ તત્ત્વ જ પૃથ્વીનું સાચું સંચાલન કરે છે એ ધ્વનિને પ્રગટ કરતી સોળ વાર્તાઓના સંગ્રહ “સત્ ની બાંધી પૃથ્વી 'માંની 'સરસ્વતીની છબી' અને ક્ષમા' વાર્તા અગાઉના વાર્તાસંગ્રહોમાં નામફેર પ્રગટ થયેલી વાર્તાઓ છે.

વાર્તાસંગ્રહને શીર્ષક જે વાર્તાના નામ ઉપરથી મળ્યું છે તે સંગ્રહની પહેલી વાર્તા 'સતની બાંધી પૃથ્વી' પોતાના પ્રાણ અર્પીને પણ મારવાડની ધરતીની શાન વધારનાર રેકલા અને અલતાનના ઠાકોરોની વતન માટેની શહીદીની કથા છે. 'શત્રુ કે અજાતશત્રુ' નવલકથામાં જેની કથા વર્ણવાઈ છે એ સેચનક હાથીને વશ કરનાર શ્રેણિક પુત્ર નંદિસેનમાં રહેલા હુંકારે એની શક્તિઓને આવાહન આપીને કઈ રીતે તાર્યો એ વર્ણવતી 'જે કર્મે શૂર તે ધર્મે શૂર’ વાર્તા વિષયની દૃષ્ટિએ પુનરાવર્તન લાગે એની પણ સચેનક હાથી અને નંદિસેનના પાત્રને કુશળ રીતે ઉપસાવતી વાર્તા છે.

સંગ્રહની અન્ય મૌલિક વાર્તાઓથી જુદી પડતી 'મકાઈનો દાણો’ વાર્તા ટૉલ્સ્ટોયની એક કથાને આધારે સર્જાઈ છે. વાર્તાનું કથાવસ્તુ નગણ્ય છે. બાળકોને રમતાં રમતાં મળેલી એક ઈંડા આકાર જેવી વસ્તુ ખરેખર શું છે એનું વડીલો દ્વારા થતું સંશોધન, સંશોધન પાછળ થતો સમયનો વ્યય, પૈસાનો ખર્ચ, બુદ્ધિમાનોની બુદ્ધિનું રોકાણ અને છેવટે આવતું તારણ કે 'છેક પુરાણ કાળનો એ મકાઈનો દાણો છે.' વાર્તામાંથી એવો ધ્વનિ પ્રગટાવે છે કે વસ્તુઓના સંશોધન પાછળ આડાઅવળા વ્યર્થ ખર્ચ કરવાને બદલે ખરેખર તો માણસે સમજવાનું સંશોધન કરવું જોઈએ. આજના કરતાં પુરાણકાળના આપણા વડવાઓ વધુ સુખી હતા કારણ કે એમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ જ 'શ્રમ કરવો, આનંદી રહેવું ને ઈશ્વરને યાદ રાખવો’ એ હતી જ્યારે આજે તો માણસનું મન નાનું થયું છે. માણસ પંડનો વિચાર વધુ કરતો થયો