પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે અને એટલે જ શરીર તથા મને એ પંગુ બન્યો છે. માણસ એ જ મોટું વિજ્ઞાન છે, એને સમજીએ તો બીજું સમજવા જેવું રહેતું નથી, એ ધ્વનિને પ્રગટાવતી આ વાર્તા સંગ્રહની વિષયવસ્તુ તથા તેના નિરૂપણની દૃષ્ટિએ જુદી પડે છે.

સંગ્રહમાંની ‘ગરીબનું હૃદય ગરીબ નથી’ વાર્તા ખુમારીવાળી પ્રજા અને પ્રજાની ખુમારીને ગૌરવથી વધારવા ન્યાયપ્રિય રાજાની અનોખી હૃદયઉદારતાને વ્યક્ત કરે છે. કાશ્મીરના રાજા ચંદ્રાપીડના મનમાં એક અપૂર્વ મંદિર બનાવવાની ઝંખના જાગી. આ મંદિર જે ભૂમિ ઉપર નિર્માણ કરવાનું નક્કી થયું ત્યાં એક ચમાર ઝુંપડી બાંધીને રહેતો હતો. એણે પોતાની ઝૂંપડી ગમે તેટલું દ્રવ્ય આપે, ગમે તેવી સજા કરે, ગમે તેવો દંડ દે તો પણ એ જગ્યાએથી હટાવવાની ના પાડી. એને મન પોતાની ઝુંપડીનું મૂલ્ય રાજાના મહેલથી સહેજ પણ ઓછું નહોતું અને છતાં રાજાને એ ઝૂંપડી જોઈતી જ હોય તો રાજાએ ઘેર હાથીએ ચડીને આવી સદ્દગૃહસ્થાઈના નીતિનિયમ મુજબ યાચના કરવી જોઈએ એમ તેનું કહેવું હતું. પોતાના એક અકિંચન પ્રજાજનમાં રહેલી ખુમારી તથા ન્યાયને પણ સાચા રસ્તે આહ્વાન આપીને પ્રગટાવવાની રીત રાજાને સ્પર્શી ગઈ અને યાચકની જેમ આવીને એણે માગણી કરી મંદિર માટે જમીન મેળવી. આવા માગનારા અને આવા આપનારા પૃથ્વીના પરતાપિયા જીવોને આધારે જ પૃથ્વી ટકી રહી છે. એ ધ્વનિને પ્રગટાવતી આ વાર્તા સત્તાનાં દૂષણોથી મુક્ત એક અનોખા આદાન- પ્રદાનનું ચિત્ર ઉપસાવે છે.

ભારત એ સ્થળ ભૂમિ નથી, રાજવીઓની રાજ્યસત્તા એ જ ભારત નથી. સાચું ભારત તો એની આધ્યાત્મિક સંપત્તિમાં જોવા મળે છે. એ વાતની પ્રતીતિ પામતા સિકંદરની અને ભારતના જોગંદરની કથા કહી જાય છે. ‘સિકંદર ને જોગંદર’ વાર્તામાં જગત જીતનારો સિકંદર ભારતના અકિંચન જોગંદર પાસે કેવો જિતાઈ ગયો એનું નિરૂપણ વાર્તાકારે સરસ રીતે કર્યું છે. વિધાતાના અસમતોલ દેખાતા ત્રાજવાં ખરેખર અસમતોલ નથી હોતા એ આશાવાદને પ્રગટાવતી ‘ઇસ હાથ દે ઉસ હાથ લે’ વાર્તા ‘જેવુ આપો એવું પામો’ એ ધ્વનિને ઉપસાવે છે. વાર્તાનાયક હરિભગત શેઠે વિધવા સ્ત્રીની આંતરડી કકળાવી અણહકના સોના ઉપર કબજો જમાવ્યો અને એને આધારે