પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વૈભવવંત બન્યા તો બદલામાં જ્યારે સમૃદ્ધિ ભોગવવાનો સમય આવ્યો ત્યારે કુટુંબ ખોવું પડ્યું. સોનાનો ડુંગર શેઠને માટે દુર્ભાગ્યનું કેવું નિમિત્ત બને છે એ બતાવતી વાર્તા ઉપદેશપ્રધાન વધારે છે.

રાજપૂતી શૌર્ય સ્ત્રીની માનમર્યાદા રક્ષવા, સ્ત્રીના શીલને સાચવવા જાન પણ કુરબાન કરતાં અચકાતું નથી એ વર્ણવતી ‘મીર ઘડુલાનો મેળો’ વાર્તા મારવાડની ધરતીની ગૌરવકથા છે તો ભાભીના મહેણે પાલીતાણાના ડુંગર ઉપર જાત્રાળુઓને હેરાન કરતા વાઘને મારીને જાત્રાને નિર્ભય બનાવનાર ‘વિકમશી વાઘનો પાળિયો’ જેમ વિકમશીના પર કાજે પ્રાણ કાઢી પ્રભુતામાં પગલાં મૂક્યાની વાત કરે છે એમ ધર્મની ખોખલી વાતો કરી દેવા કરતાં દેહના વહાલમાં વધારે રાચનારા જાત્રાળુઓના વરવા વાસ્તવિક રૂપને પણ હળવી કટાક્ષસભર શૈલીમાં ઉપસાવી આપે છે.

‘બાર દુકાળી’ વાર્તા મગધરાજા ચંદ્રગુપ્તના રાજ્યકાળ દરમિયાન પડેલા કારમાં દુકાળ વખતે રાજા અને પ્રજા સહિયારા પ્રયાસો કરીને કઈ રીતે ઉગારવા મથે છે એ તો વર્ણવે જ છે પણ વાર્તાનું મુખ્ય વસ્તુ છે સંઘની શિસ્તનો ભંગ કરી નગરમાં રહી અદૃશ્ય રૂપે રાજાનું ભોજન જમી જતા બે સાધુઓને મહાગુરુ ભદ્રબાહુ દ્વારા અપાયેલી શિક્ષા-દીક્ષાનું. જેઓ વિદ્યાનો ઉપયોગ પંડ કાજે કરે છે એમને વિદ્યા મેળવવાનો હક્ક નથી એ ધ્વનિને પ્રગટ કરતી આ વાર્તામાં સાધુનું અદૃશ્ય રૂપે આવીને રાજાના ભોજનને જમી જવું એ ચમત્કાર વાર્તાકારે નિરૂપ્યો છે. અલબત્ત, અમુક પ્રકારનું ઔષધ લગાડવાથી માનવી ઔષધ થઈ શકે એ વાત આજના બુદ્ધિજીવીને ઘળે ભાગ્યે જ ઊતરી શકે ! સતી સીતાના આત્મવિસર્જન પછી સળગતી મશાલ બનીને હૃદયની વેદનાના તાપમાં જલતા શ્રીરામના અવતારકૃત્યની સમાપ્તિ પછીના નિર્વાણ સુધીના દિવસોનો ચિતાર આપતી ‘રામનિર્વાણ’ વાર્તામાં કથા નહીંવત્ છે, કેન્દ્રસ્થાને છે રામની હૃદય ભૂંજતી વેદના.

‘સિંહસંતાન’ વાર્તા એક એવા અનામી શહીદની નામી કથા વર્ણવે છે જેણે બાર વર્ષની ઉંમરે અંગ્રેજોની વિરુદ્ધ જેહાદ જગાવી. હૈદ્રાબાદ રિયાસતમાં આવેલ જોગીપુરની જાગીરના આ બાલ રાજવીએ અંગ્રેજોને સાચા સિંહસંતાનની પ્રતીતિ કરાવી મોતને મીઠું બનાવી દીધું. રાજિયા-