પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાજિયા’ના નામે વીરધર્મની વાતોમાં આવી ગયેલી ‘ક્ષમા’ વાર્તા દયા કે કરુણાની વિલીન થયેલી એકાદ ક્ષણ મોડીવહેલી કોઈ અન્ય ક્ષણને જરૂર ઉજાળવાની એ સંદેશ આપે છે. ‘આજે આપણે ઉદાર થઈશું તો કાલે સંસાર ઉદાર બનશે.’ એ વાત વાર્તાનું વસ્તુ સૂચવે છે.

વેપારી માટે પૈસા કરતાં પણ આબરૂનું મહત્ત્વ વધારે છે. વેપારીની એ આંટને જાળવવા માટે એક પથ્થર પાછળ ત્રણ લાખ દિનાર ખર્ચી નાખનાર મુનિમ જેતસિંહને તથા મુનિમની હૈયાસૂઝને દિલથી બિરદાવનાર શેઠ જગડૂશાની કથાને રજૂ કરતી ‘ત્રણ લાખ દિનારનો પથ્થર’ વાર્તા ધરમના કામમાં કોઈનું આંચકીને ન લેવાય એવી ઊંડી નીતિબુદ્ધિ વાળા જગડૂશાહ દ્વારા ત્રણ લાખ દિનાર ખર્ચીને મંદિર બનાવવા મેળવેલ પથ્થરને મસ્જીદ બનાવવા માટે આપી દે છે, એની ઊંડી અને સાચી ધર્મબુદ્ધિની કથાને પણ વર્ણવે છે તો ‘દૂદા હરિજનની વાવ’ દરિદ્રતાના અવતાર એવા દૂદા હરિજન દ્વારા મજૂરીના પૈસાથી બંધાવાયેલી પણ જનસમાજને દુકાળ વખતે અતિ ઉપયોગી નીવડેલી વાવની કથા વર્ણવે છે. સમાજમાં શૂદ્ર ગણાતો માનવી પણ ભાવનાની ઉદાત્તતાને કારણે છેવટે સમાજમાં પૂજાવા યોગ્ય કઈ રીતે બને છે એ દૂદાના પાત્ર દ્વારા લેખકે સરસ ઉપસાવ્યું છે. સંગ્રહની અંતિમ વાર્તા ‘અજર-અમર’ જગતના મહાન ફિલસૂફ સોક્રેટીસના જીવનના અંતિમ કાળે સમાજ દ્વારા મળેલા ઉપહાર-વિષપાનને વર્ણવે છે.

સંગ્રહની મોટા ભાગની વાર્તાઓના સર્જનનું નિમિત્ત બન્યાં છે. પાળિયા, દેરીઓ, મેળાઓ કે લોકકથા ઇતિહાસ, પુરાણ કે સમાજમાંથી એનું વસ્તુ વાર્તાકારને મળ્યું છે. વાર્તાકારની કલમની ખૂબી એ વસ્તુમાં રહેલા ઉમદા સમર્પણતત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. સમાજના સર્વ વર્ગને પ્રેરણા પૂરી પાડતી આ વાર્તાઓ એમાંના ઊજળા નીતિતત્ત્વને કારણે તેમ જ ફોરતી માનવતાને કારણે આગવી બની છે.

‘કર લે સિંગાર' :

‘કર લે સિંગાર’ વાર્તાસંગ્રહમાં જયભિખ્ખુએ પ્રેમપંથના ન્યારા ત્યાગ અને તપથી ભરેલા રાહની પિછાણ કરાવતી કેટલીક વાર્તાઓ ચૂંટીને રજૂ કરી છે. જયભિખ્ખુનું માનવું છે કે દૂધ અને પાણીની જેમ એક દેખાતા પ્રેમ