પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને મોહે અનેકને છેતર્યા છે, ભલભલા માણસોનું ડહાપણ એની આગળ નકામું નીવડ્યું છે, પ્રેમના આ રાહને સમજવા જતાં યોગીઓ ભૂલા પડ્યા છે, શાહ સોદાગરો ખોટા ઠર્યા છે. એમાં ય તે પ્રેમમંદિરના મોટા દેવની ખોટી પૂજામાં પુરુષ કરતાં સ્ત્રી વધુ ભરમાઈ ગયેલી દેખાય છે અને એટલે જ પહેલી નજરે એક જણાતા પણ એકબીજાથી તદ્દન ભિન્ન એવા પ્રેમ, કામ અને મોહનું સાચું સ્વરૂપ મેળવવામાં યુવાન હૃદયોને મદદગાર બનાવાના ઉમદા હેતુથી આ વાર્તાઓની રચના થઈ છે.

સંગ્રહની કુલ ચૌદ વાર્તાઓમાંની એકાદને બાદ કરતાં મોટાભાગની કોઈ ને કોઈ નારીપાત્રને એના હૃદયભાવોને શબ્દસ્થ કરે છે. પહેલી જ વાર્તા ‘કર લે સિંગાર’ એક એવી કન્યાના જૌહરને વર્ણવે છે જેણે સમષ્ટિના હિત માટે, કુલને કલંકિત થતું બચાવવા માટે, સ્વશીલની રક્ષા કાજે મીરાંની જેમ વિષપાન કરીને આત્મબલિદાન આપ્યું. પ્રેમ એટલે માત્ર મોહ નહીં, સ્વાર્થ નહીં, એમાં તો અન્યની ચિંતા જ મુખ્ય હોય છે એ ભાવ રજૂ કરતી આ વાર્તાની નાયિકા કૃષ્ણા સુરતના મયાચંદ નાગરની લાડકી દીકરી છે જેને નવાબી કામનાનો એરૂ આભડવા આવ્યો ત્યારે વિષપાન કરીને હસતાં હસતાં સોળ શૃંગાર ચિતાએ ચઢીને પૂરા કર્યા. કાચી કળી જેવું કૃષ્ણાનું અજબ ખમીર થોડા શબ્દોમાં વાર્તાકાર સરસ ઉપસાવી શક્યા છે. જ્યારે શીર્ષક જ જેનું અનેક વિરોધી મનોભાવો ભાવકચિત્તમાં ખડા કરે છે એવી ‘ગણિકા સતી’ વાર્તામાં એક ગણિકાના અનોખા સતીત્વને શબ્દરૂપ મળ્યું છે. મહારાજ ભીમદેવની આ ચક્રવર્તીને પેટે ધારવાની મનીષા ધરાવતી ગણિકા પ્રિયતમા-બહુલાના ઉમદા શીલનો પરિચય ગુજરાતના ઇતિહાસનું એક ઊજળું પાનું છે.

ગોરી ગોરી બસરાના ફૂલ જેવી એનીના મીણ હૃદયને પોલાદ બનાવનાર દુઃખના ગજવેલનો પરિચય કરાવતી ‘મીણ અને પોલાદ’ સુપ્રસિદ્ધ નારીરત્ન જગતજનની એની બિસન્ટના દુઃખભર્યા ગજવેલી જીવનને નિરૂપે છે. દુઃખનો લાવા જેમ સ્ત્રીના મીણ સમા કોમળ હૃદય ઉપર પડતો જાય એમ એમ સ્ત્રીહૃદય કરમાવાને બદલે વધુ ને વધુ મક્કમ બનીને ધ્યેયસિદ્ધિનું પોલાદ પ્રાપ્ત કરે એવી કર્તૃહૃદયની ભાવનાને વાચા આપતી આ વાર્તા પ્રેમના ન્યારા રાહની ખુમારીની કથા છે.