પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અરણી રાષ્ટ્રમાં જેમ અગ્નિ છે એમ સ્ત્રીના દિલમાં પુરુષ અને પુરુષના દિલમાં પડેલી સ્ત્રીને દ્વેષ કે તિરસ્કારની દીવાલો ખાલી શકે નહીં. બંને એકબીજા વિના અધૂરા જ છે એ વાતનો પરિચય કરાવતી ‘રથના બે પૈડાં’ વાર્તા સંસારના સનાતન સત્યને કથે છે. તો ભુલભુલામણી સમા જીવનબાગમાં ગમર દૂધના ઊભરા જેવી બિન-અનુભવી જુવાનીની આગમાં અટવાતા બે પ્રેમી હૃદયોને જ્યારે વાસ્તવના કપરાં કાંટા વાગે છે ત્યારે પણ એમનો એકબીજા તરફનો પ્રેમ કોઈ પણ રંગ બદલ્યા સિવાય એવો ને એવો જ રહે છે અને એ રંગને જ્યારે સમજુ વડીલોની શીળી છાયા મળી રહે છે ત્યારે પાંગરતા કુટુંબમેળાનું કિલ્લોલતું જીવન ‘કોકિલા અને બપૈયો’ માં નિરૂપાયું છે.

પ્રેમના વિવિધ સ્વરૂપો નિરૂપતી, પ્રેમ અને મોહ વચ્ચેના તફાવતને પ્રત્યક્ષ રૂપે વર્ણવતી આ વાર્તાઓ જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં નોંધપાત્ર વધારો કરે છે.

‘શૂલી પર સેજ હમારી’ :

જીવનધર્મી વાર્તાકાર જયભિખ્ખુની સિસૃક્ષા ભાવનાપ્રધાન કથાવસ્તુને જોઈને સળવળી ઊઠે છે. સત્ ને ખાતર શૂળીએ ચઢનારાં સતિયાંનું એમને અનેરું આકર્ષણ છે. સિદ્ધાંતને માટે સ્વાપર્ણ કરનારા ઝિંદાદિલોની-પછી ભલે એ નામી હોય કે અનામી-યશોગાથા ગાવી એમને ખૂબ જ પ્રિય છે અને આ જ કારણે એમનું સાહિત્ય આબાલવૃદ્ધ સૌને એકસરખી રીતે આકર્ષીને વાચકરસ પૂરો પાડે છે.

વાર્તાકાર જયભિખ્ખુની એ ખાસિયત છે કે પોતાને પ્રિય એવી કોઈ ભાવના મળી ગઈ, પછી વસ્તુની પસંદગીમાં એમણે ક્યારેય છોછ રાખ્યો નથી. સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક પાત્રો કોમ કે સ્વદેશ કે પરદેશનાં પાત્રો હોય કે ગરીબ કે તવંગર પાત્રો હોય કોઈના પણ જીવનને આલેખ્યવિષય બનાવવામાં એમણે સંકોચ અનુભવ્યો નથી. ‘શૂલી પર સેજ હમારી’ વાર્તાસંગ્રહની વીસે વીસ વાર્તાઓ આ વાતની પ્રતીતિ કરાવે છે. આ સંગ્રહની વાર્તાઓમાં પુરાણપ્રસિદ્ધ રાજા ભરત પણ વાર્તાવિષય બન્યા છે તો છેક ૧૯૬૦ના ઑક્ટોબરમાં પંદર દિવસની પુત્રીને ત્યજી દેનારી લક્ષ્મી