પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરુણાસભર વાણીમાં નિરૂપે છે. આ આખીયે વાર્તા આપણા સમાજનું એવું વરવું કલંક પણ ખુલ્લું કરી આપે છે. જેણે સમાજને સુધારવા માટે થઈને કલમને સહારે જીવવા ઇચ્છ્યું એને ચોવીસ વર્ષ બાદ ટેક મૂકીને નોકરી કરવા નીકળવું પડ્યું અને એનું કારણ એટલું જ કે જીવનની ઉત્તરાવસ્થાએ પોતાને જે સત્ય લાગ્યું એ નિર્ભિકપણે આ કવિએ સમાજ સમક્ષ મૂક્યું. પૂર્વાવસ્થાના સુધારાવીર નર્મદની ઉત્તરાવસ્થાના ધર્મવીર નર્મદે ટીકા કરી એ વાંકને કારણે સુધારાપ્રિય સમાજે કવિને માન આપવું બંધ કર્યું. મૃત્યુના ત્રણ વર્ષ પહેલાં ધર્મખાતાના મંત્રી તરીકે નોકરી કરવી પડી ! જીવતાં જેને સમજી ના શક્યા એવા ભવરણના સિપાહીની મૃત્યુ બાદ રચાયેલી ખાંભીને નીરખી વાર્તાકારથી તાતો કટાક્ષ થઈ જાય છે. લોકોએ એ વીરની ખાંભી ખોડી, ખાંભીને પૂજી. જય નર્મદ’ (પૃ. ૩૦). વાર્તામાં કેટલેક ઠેકાણે ગદ્ય એક નવો મિજાજ ધારણ કરે છે. જેમકે ધર્મખાતાની નોકરીની મંજૂરીપત્ર હાથમાં હાથમાં લેતાં જ એનાથી બોલાઈ જાય છે, ‘ભાઈઓ ! વાત આટલી હદે પહોંચી ગઈ ! કવિરાજ શબ્દને કલંક લાગ્યું.’ (પૃ. ૨૮) અને આ વાતમાં પહેલાં ભારને જયભિખ્ખુ એક જ વાક્યમાં આ રીતે વર્ણવે છે : ‘શબ્દોમાં હિમાલયનો ભાર હતો’ (પૃ. ૨૮).

દેશી સ્ત્રીના શીલ-મોતીને કલંકિત કરનાર એક અંગ્રેજ કુકર્મીની કથા કહેતી ‘કલંકી મોતી’ વાર્તામાં લેખકનો આક્રોશ એક અંગ્રેજ કુકર્મીની તરફ શબ્દજવાળા બનીને પ્રગટે છે. જે રાજ્યમાં સ્ત્રીનું શીલ ન જળવાય, સાચો ન્યાય ન મળે એ રાજ્યને તો મિટાવ્યે જ છૂટકો એ ભાવ દરેક દેશી હૃદયમાં જન્માવતી આ વાર્તા ગુલામ ભારતની કરુણ કથા છે. ટૂંકાં ટૂંકાં વાક્યોમાં જીવનના ઉમદા અને સનાતન સત્યોની રજૂઆત એ જયભિખ્ખુની ગદ્યશૈલીની આગવી લાક્ષણિકતા છે. આ વાર્તા એનો એક નમૂનો છે જેમ કે-

- સ્ત્રીનું શીલ - મોતી સંસારનો શણગાર ને દુનિયાનું સૌભાગ્ય છે. એક દિવસ એવું મોતી કલંકિત થયું. (પૃ. ૩૧)

- સ્ત્રી અને સાગર, બંનેને ભારતનાં ઋષિઓએ મર્યાદાવાન કહ્યાં છે. સ્ત્રી અને સાગરથી એ ઇચ્છે તો ય મર્યાદા ન લોપાય એ સર્જન જૂનો નિયમ - એની મર્યાદા લોપાવા કોઈથી યત્ન પણ ન થાય એ જમાનાજૂનું શાસન,