પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તામાં અનુભવવા મળતું નથી. જો વાર્તામાં નામો પુરાણનાં ન હોત તો આ વાર્તાને આધુનિક વાર્તા તરીકે જ મૂલવવી પડત, એવું એનું નિરૂપણ છે. વાર્તા મુખ્યત્વે બે પાત્રો કુંતિના માતા-પિતાની આસપાસ જ વળોટાય છે. નારીનું ઘેલું માતૃત્વ કુંતીની માતાના પાત્રમાં અને પુરુષની સામાજિક ચિંતા પિતાના પાત્રમાં સુપેરે ઊપસ્યાં છે. જેની આસપાસ વાર્તા વણાઈ છે એ કર્ણનું કારુણ્ય વાર્તાકારના કટાક્ષ નેત્રે આવું ઝિલાયું છે. કર્ણને માતાએ ખૂબ શણગાર્યો હતો પણ પરાક્રમ માટે જોઈતા પૂર્વજો, કૌશલ્ય માટે જોઈતું કૂળ ને પ્રેરણા માટે યોગ્ય માત-પિતા જન્મની સાથે એની પાસેથી ઝુંટવીને એને વિરૂપ કરી નાંખ્યો હતો (પૃ. ૩૧). કુંતીની માતાના મુખમાં મુકાયેલા નારીના દેહની કરુણતાનો આ સંવાદ ‘વિધાતાએ સ્ત્રીના દેહને તો જીવતી જાહેરખબર જ સરજી છે. જરાક કંઈ આઘુંપાછું કર્યું કે એના દેહ પર એનો ઇતિહાસ મોટા અક્ષરે અંકાઈ જ જાય ! જતો પણ એને વાંચી શકે !’ (પૃ. ૨૪) હિંદુ સમાજમાં નારીના સ્થાનનો પરિચય કરાવે છે.

પ્રીત એ બીજ નેવી સાંભળવી અને છેડવી ગમે એવી સરળ નથી, એ તો તાતી તલવાર છે, પોતાને પણ છેદી નાખે ને પારકાને પણ. જેને ખઆંડાનો ખેલ ખેલતાં આવડે એ જ એને કરી શકે એ સંદેશ આપતી ‘લાખનું માણેક’ વાર્તામાં લાખણશી અને માણેકના એવા સાચા પણ અધૂરા પ્રેમની કથા છે જેણે બલિદાનના કસુંબી રંગમાં જ પોતાનું સાર્થક્ય શોધ્યું છે. તો મણિમંદિરમાં મોરબીના રાજા વાઘના એક સામાન્ય પણ અનોખા રૂપની રાણી મણિ સાથેના પ્રેમની કથા આલેખાઈ છે. વાર્તાકારે આ વાર્તા દ્વારા મધ્યકાળના રાજવીઓના વ્યક્તિત્વનો પરિચય સુંદર રીતે કરાવ્યો છે.

‘અન્ના’ વાર્તામાં બાહ્ય રૂપમાં ઊણી પણ આંતરરૂપથી સભર એવી અન્નાના સાચા રૂપને ન ઓળખી શકનાર સમાજ દ્વારા એની ઉપર ગુજરાતના સિતમોની કથા વર્ણવાઈ છે, તો સ્ત્રી એ પ્રેરણામૂર્તિ પણ છે. પ્રેરણાની પરબ બની પોતાના પતિને સાચું મુનિપણું લેવડાવતી નારીના અનોખા પ્રેમ અને બલિદાનની કથા ‘નગિલા’માં આલેખાઈ છે. વાર્તામાં મુખ્ય પાત્ર દેવનો ભ્રાતૃપ્રેમ, રાગ અને ત્યાગ વચ્ચેની અટવામણ સુંદર રીતે નિરૂપાઈ છે.