પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોઈની બેન-બેટી ઉપર એંઠી નજર નાખનારને જીવનમાં ઘણીવાર કેવો કડવો પદાર્થપાઠ શીખવો પડતો હોય છે એ ‘કોઈની બેન-બેટી’ વાર્તાનો મુખ્ય વિષય છે. સોહનની રૂપતરસી ભ્રમરવૃત્તિને એના મિત્ર મોહન દ્વારા કેવો પદાર્થપાઠ શીખવાય છે તે વાર્તાકારે સરસ વર્ણવ્યું છે. જ્યારે ‘અર્પણ’ વાર્તાનું કથાવસ્તુ લેખકને હાથે નવલકથારૂપ પામેલ મહર્ષિ તારજના જીવનનું જ છે. અસ્પૃશ્યતા-છૂતાછૂતના યુગોપુરાણા દૈત્યને નાથવાના રાજગૃહીના રાજવીએ કરેલા પ્રયત્નને અહીં વર્ણવી વાર્તાકારે કહેવાતી ઉચ્ચતા કે નીચતાને સમાનતાના ધોરણે એક બનતો બતાવ્યો છે.

કાજલની કોટડી વચ્ચે, સ્ત્રીને હીન નજરે નીરખનાર દુનિયા વચ્ચે, અનાચારોના ધામ વચ્ચે, ગુંડાઓની જાત વચ્ચે ઝઝૂમતા શ્રીમતી ચારુમતીબેન યોદ્ધાનું શબ્દચિત્ર આલેખતી ‘ન દૈન્યમ્ ન પલાયનમ્’ વાર્તા એક બાજુ જેમ સમાજના આવા ઉમદા કાર્યકરોની ઊજળી કારકિર્દીને વર્ણવે છે તો બીજી બાજુ સમાજમાં સ્ત્રીની કેવી દયનીય સ્થિતિ છે એનો પણ ચિતાર આપે છે. તો રવીન્દ્રનાથ ટાગોરની વાર્તાને આધારે લખાયેલી ‘મમતા’ વાર્તા એક નોકરમાં છુપાયેલી મમતાનું ધનિકો દ્વારા થતું અપમાન અને એને કારણે એના ચિત્તને લાગેલા આઘાતને નિરૂપે છે. વાર્તાનું નિરૂપણ કરુણ અને ભાવસભર શૈલીમાં થયું છે.

સંગ્રહની અંતિમ વાર્તા ‘ચિનગારી’ હજારો બુઝાયેલા અંગારાની વચ્ચે રહેલી એક ચેતનવંતી ચિનગારી ઘણીવાર કેવા તેજીલા પ્રકાશને વેરે છે એ એક ચેતનવંતી નારીના ધર્મપ્રેમે એના સાથી પત્ની બનવાના, સાચી માતા બનવાના પ્રયત્ન દ્વારા બતાવ્યું છે.

આદિકાળથી તે આજ સુધીનાં નારીજીવનનાં વિવિધ પાસાંની ઝાંખી કરાવતી આ વાર્તાઓમાં જયભિખ્ખુએ સ્ત્રીની હૃદયસૃષ્ટિને સવિશેષ મમતાથી સજાવી છે. સ્ત્રીની સૂઝ અને શીલને વખાણ્યાં છે. અને સાથે સાથે સમાજની એકતરફી અળખામણી રીતરસમોને સહન કર્યા વગર સ્ત્રીનો કોઈ આરો નથી એ પુરાણયુગીન માપદંડોને પડકાર્યો પણ છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે ચેપીરોગ જેવા એ માપદંડોને નાબૂદ કર્યે જ છૂટકો. સંગ્રહની વાર્તાઓ આ દૃષ્ટિએ નોંધનીય છે.