પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મરાઠી કલાકારે જ્યારે આશાવલ્લીની પ્રજાને પોતાની કથાશક્તિનું ઘેલું લગાડ્યું ત્યારે સુખદેવે પોતાના શિષ્ય હરદેવને પોતાની હારનો બદલો લેવાની આજ્ઞા આપી. ગુરુ આજ્ઞાએ પોતાની કથાકાર તરીકેની શક્તિથી હરદેવ ચાચરિયાકે પ્રતિસ્પર્ધી સામે બદલો તો લીધો જ, પણ સાથે સાથે ગુજરાતમાં એક અપ્રતિમ કથાકાર તરીકેનું સ્થાન પણ મેળવ્યું. વાર્તામાં કાચીંડાની જેમ રંગ બદલતા જનમતનું, અપમાન કરતાં અવસાનને વધુ વહાલું ગણનાર સ્વમાનશીલ સુખદેવનું અને શિષ્ય હરદેવનું પાત્ર સુંદર ઊપસ્યું છે.

‘શેઠનું સ્વપ્ન’ વાર્તા અમદાવાદના એક શેઠ, સ્વપ્નદર્શી ઉદ્યોગપતિ શેઠ રણછોડભાઈના જીવનના આભઊંચેરા કલ્પનામિનારની કરુણ કથનીને વર્ણવે છે. અમદાવાદને બંદર બનાવવા માટે ખંભાતના દરિયાને નહેર વાટે અમદાવાદ સુધી તાણી લાવવા અને એ રીતે કાપડઉદ્યોગને નવું જીવન આપવા માટેની રણછોડભાઈ દ્વારા મુકાયેલી દીર્ઘદર્શી યોજના પરદેશી સરકારે એટલા માટે વિકસવા ન દીધી કે એને કારણે લાંબે ગાળે એમના વેપારને હાનિ પહોંચતી હતી, જ્યારે દેશની પ્રજા પોતાના આ સ્વપ્નશિલ્પની યોજનાને સમજી ના શકી એટલે સાથ ન આપ્યો અને એને કારણે અમદાવાદને સાચા અર્થમાં ભારતનું માન્ચેસ્ટર બનાવવાનું શેઠનું સ્વપ્ન કરુણ રીતે અધૂરું રહી ગયું.

ઝંડુ ભટજી અને જામસાહેબના જીવનપ્રસંગને આલેખતી ‘સત્યનો રથ’ સંગ્રહની પુનરાવર્તિત વાર્તા છે. જ્યારે કન્યાની ખાણ એવા કાઠિયાવાડની ધરતી ઉપર કળિયુગમાં પાકેલા મોતીની વાત ‘પાણખાણનું મોતી’માં છે. દેરાણીના મૃત્યુ પછી દિયરના છોકરા ઉછેરવા જેણે પોતાને માટે કલ્યાણકારક એવી દીક્ષા લેવાને બદલે સંસારી જીવનમાં રહી સંસારવાસથી ઊંચેરી સંન્યાસભાવના ભાવી એવી એક જનમદુઃખિયારી વિધવા ભાભીની વાત અહીં વર્ણવાઈ છે. લેખકના સ્વાનુભવમાંથી જન્મેલી આ ઘટના મધ્યમવર્ગમાં જિવાતા સત્યયુગના મોટકડા જીવનની સુવાસને ફોરાવે છે.

‘હાથલારીવાળો’ વાર્તામાં હાથલારીવાળા ભગા ડોસાને કેન્દ્રમાં રાખીને વાર્તાકારે કવિની જેમ, સુધારકની જેમ, ક્યાંક કટાક્ષકારની અદાથી નાના