પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માણસના જીવનની કરુણ છતાં વાસ્તવથી ભરી જિંદગીનું શબ્દચિત્ર ઉપસાવ્યું છે. વાર્તામાં કથાતત્ત્વ નહિવત છે છતાં વાર્તાકારની ખૂબી એવી રીતે વાર્તાને અનોખા ઢંગથી રજૂ કરવામાં આવે છે, કે વાર્તા ક્યાંય કંટાળોઆપતી નથી વાર્તાકારનું ગદ્ય ટૂંકા ટૂંકા અને છતાં ભાવ તથા અર્થથી ભર્યાં વાક્યોની એક હારમાળા રચે છે. વાર્તામાં શિક્ષણ ઉપરનો વાર્તાકારનો કટાક્ષ (પૃ. ૯૭) સુધારક શિક્ષણકાર જયભિખ્ખુની આકૃતિ ઉપસાવે છે.

‘યાકુબ’ નાના માણસોના અંતરમાં પડેલી ઉમદા હૃદયભાવનાને ઉપસાવતી વાર્તા છે. જેણે સદાય આપ્યું જ છે એવા જૂનાગઢના દિવાનની માઠી આર્થિક દશાના દિવસોમાંની કરુણતાને વર્ણવે છે જેને માટે પોતે જિંદગી અને જાત ઘસી નાખી એવા કહેવાતા મોટેરાઓ જ્યારે એને ઓળખી મદદ નથી કરતા ત્યારે એક સ્ટેશન માસ્તર જેવો કે યાકુબ જેવો ડ્રાઈવર યથાશક્તિ મદદ કરી દિવાનની દિલદિલાવરીની કેવી કદર કરે છે એ વર્ણવતી આ વાર્તામાં ત્રણે પાત્રો સ્ટેશન માસ્તર, યાકુબ અને દિવાન પોતપોતાની રીતે ઉમદા ઊપસ્યાં છે.

સ્વાતંત્ર્યયુદ્ધના બે અદના ગુજરાતી સૈનિકોની વાત ‘રામ-રાવણ’ વાર્તામાં વણાવાઈ છે. નાયક કોમના રામ અને લખો નામના બે યુવાનોમાં રામલીલામાં રામ-રાવણનો પાઠ ભજવતાં જાગેલી દેશના સ્વાતંત્ર્ય માટેની ઝંખના, એ નિમિત્તે અંગ્રેજો સામે એમણે કરેલા બળવાની અને એમાં આપેલા બલિદાનની વાત વાર્તાકારે સરસ શૈલીમાં વર્ણવી છે.

રજવાડાંની અંધારી તવારીખોમાં ચંદાની ચાંદની જેવી ધ્રાંગધ્રાના રાજવીમાં રહેલા ઉમદા રાજવિવેકને વર્ણવતી ‘રાજવિવેક’ વાર્તા પ્રજાની વહુ-દીકરીની લાજનાં લૂગડાં ખેંચી બતાવી બઢતીની આશા સેવતા એક અદના પાસવાનને રાજા દ્વારા અપાયેલા યોગ્ય પદાર્થપાઠને નિરૂપે છે તો પાલણનુરના નવાબની ન્યાયપ્રિયતાને વર્ણવતી ‘અણદાગ’ વાર્તા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એક સ્ત્રીસંબંધે થયેલા વિવાદ દરમિયાન નવાબ દ્વારા ઇમાનના દેવ અને ઇન્સાફના ઝંડાના થયેલા રક્ષણને આલેખે છે.

સંગ્રહની ‘ઉત્તરાણકર’ વાર્તા સત્યની વેદી ઉપર આત્મસમર્પણ કરનાર વીસનગરના લોકક્રાન્તિના શહીદ ઉત્તરાણકરની કથા કહે છે. તો ‘પુનિત’