પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તા ગુજરાતના એક ખૂબ જ લોકપ્રિય અને માનવતાવાદી સંત પુનિત મહારાજના વ્યક્તિચિત્રને ઉપસાવે છે. દરિદ્રતાને પોતાના જીવનમાં બૂરી રીતે નિહાળનાર આ સંતે ભૂખ્યા દેવને રોટી મળી શકે એ માટે યોજનાઓ કરી ગુજરાતના જનજીવનને પોતાના ભક્તિપ્રિય ભજનસાહિત્યથી ભક્તિભીનું બનાવ્યું, જ્યારે ‘જાદુગર’ ગુજરાતના જાણીતા જાદુગર નથ્થુ મંછાનું માહિતીપ્રદ ચિત્ર ઉપસાવે છે. વાર્તાતત્ત્વવિહોણી આ વાર્તા એક માહિતીચિત્ર જ બની રહે છે.

ગુજરાત, ભારત અને વિશ્વના કેટલાક સુપ્રસિદ્ધ જવાંમર્દ જાદુગરો જેવા કે હુડિની, લિફાજે, ચિંગલિંગ શુ, પીરભાઈ રસૂલ, અલાબક્સ વગેરેના જીવનપ્રસંગોને આછા શબ્દસરકાથી વર્ણવતી ‘સરફરોશી’ વાર્તાનો મુખ્ય સૂર એ છે કે જાદુ એ કોઈ મંતર નથી, એ તો વિજ્ઞાને પુનિત કરેલી ને જવાંમર્દી સાથે જોડાયેલી કલા છે, જેમાં જાદુગર હરપળે પોતાની જાના સાથે જોહુકમી ચલાવતો હોય છે. તો મહામંત્રી વસ્તુપાલ-તેજપાલની માતાના જીવનપ્રસંગને આલેખતી ‘રત્નગર્ભા’ વાર્તા નારીના રત્નગર્ભાપણાને વાર્તાકાર દ્વારા અપાયેલી અંજલિ છે.

સંગ્રહની અંતિમ બે વાર્તાઓમાંથી એક ‘દર્દે જિગર’ માનવયાતનાના ઉધ્ધારક ડૉ. બૅન્ટિકના ઉમદા ચરિતને અને ‘મણિનું તેજ’ વીસમી સદીના આદર્શ નાગરિક મણિભાઈની જીવનઝરમર આલેખે છે. ‘ઇમાનનો દીપ’ સંગ્રહની પુનરાવર્તિત વાર્તા છે.

‘કન્યાદાન’ :

વાર્તાકાર જયભિખ્ખુની કુલ વાર્તાઓમાંથી ચોથા ભાગની વાર્તાઓ નારીજીવવિષયક છે. ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘અંગના’, ‘કંચન અને કામિની’ જેવા તો આખાય સંગ્રહો નારીજીવનના વિવિધ પ્રશ્નોને કલાત્મક રીતે છણે છે. ‘કન્યાદાન’ની અઢાર વાર્તાઓમાંથી મોટાભાગની વાર્તાઓ પણ નવા અને જૂના યુગની નારીનાં વિવિધ રૂપોનું આલેખન કરે છે. આ બધી વાર્તાઓમાંથી વાર્તાકારને એક સ્વર અવિરત ગુંજ્યા કરે છે, અને તે એ કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી-નરસી કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રી પોતાનું સત્ત્વ ને સ્ત્રીત્વ ખીલવે તેવું વાતાવરણ હજી આપણે ત્યાં મોટે ભાગે ઘડાયું નથી.