પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

આ તીર્થયાત્રાએથી આવીને જયભિખ્ખુએ પોતાની તમામ ચોપડીઓનું પ્રકાશનકાર્ય અટકાવી દીધું. મનમાં એક જ તમન્ના હતી - ‘શંખેશ્વર તીર્થનું અનુપમ પુસ્તક તૈયાર કરવાની’. દેવદિવાળીના દિવસે તેઓ લખે છે : ‘તબિયત ખૂબ સારી. સવારમાં એકાદ માઈલ ફરી આવું છું. લાકડા જેવા થતા પગો ચેતન અનુભવી રહ્યા છે : સર્વ પ્રતાપ ભગવાન શંખેશ્વરનો છે. લેખનનો ખૂબ ઉત્સાહ પ્રગટ્યો છે. ઠરી ગયેલી પ્રેરણા સળવળી રહી છે અને શંખેશ્વર મહાતીર્થ ‘પુસ્તક’ પૂરા વેગ સાથે લખવાનું ચાલું થાય છે.’

ત્રેવીસમીની સાંજે શરીર લૂથી પીડાઈ રહ્યું હતું. થોડો તાવ પણ હતો. પરંતુ આ તીર્થનું પુસ્તક કોઈ પણ સંજોગોમાં સમયસર પ્રગટ કરવાનો નિર્ધાર હતો. આ દિવસે માત્ર શંખેશ્વર પાર્શ્વનાથની છબી છપાવવાની હતી. પોતાની છાપકામ વિશેની તમામ સૂઝ અને કુશળતા કામે લગાડી. શરીરમાં તાવ હતો પણ એની પરવા કર્યા વગર ચાર કલાક સુધી દીપક પ્રિન્ટરીમાં જુદાજુદા રંગોમાં તે છબી કઢાવી. અંધારું થયું હોવાથી કાચી આંખોને કારણે, ‘બીજે દિવસે આમાંની તસવીર પસંદ કરીને મોકલાવીશ એમ કહ્યું. જતી વેળાએ કહેતા ગયા ‘હવે હું આવવાનો નથી.’

બીજે દિવસે લૂના કારણે શરીર બેચેન હતું. બપોરે તાવ ધખતો હોવા છતાં શંખેશ્વર પાર્શ્વનાથની જુદી જુદી છબીઓ જોઈ પોતાને પસંદ હતી તે છબી સૂચના સાથે મોકલી.

કાર્ય પૂરું થવાના સંતોષ સાથે પલંગ પર સૂતા. કૉફી પીવાની ઇચ્છા થઈ. કૉફી આવી. પત્ની, પુત્ર, પુત્રવધૂ પાસે હોવા છતાં અને થોડો તાવ હોવા છતાં જાતે જ કૉફી પીધી. જીવનમાં એમની એક ખ્વાહેશ હતી કે કોઈ પાણીનો પ્યાલો આપે અને પિડાવે, તેટલીય લાચારી મૃત્યુ વેળા ન જોઈએ, તે સાચું જ પડ્યું. એ પછી થોડા સમયમાં એમના આત્માએ સ્થૂલ શરીરની વિદાય લીધી. ઈ. સ. ૧૯૬૯ના ડિસે.ની ૨૪મી તારીખ ને બુધવારે જયભિખ્ખુની સ્થૂળ જીવનલીલાની સમાપ્તિ થઈ.

જયભિખ્ખુએ પોતાના મૃત્યુ અગાઉ રપ-૧૧-૬૯ના રોજ લખેલી રોજનીશીમાં જે વિદાય-સંદેશ આપ્યો છે તે એક સ્વસ્થ મનનશીલ પ્રકૃતિવાળા મહામના માનવીના હૃદયની ભાવોર્મિથી ભરેલો છે. તે કહે છે :

જીવન તો આખરે પૂરું થવાનું છે.