પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવલાં નારીરૂપો વર્ણવતો વાર્તાકાર ‘નેલી’માં જે નારીની વાત લઈને આવે છે તે ભારતીય નારી નથી. પશ્ચિમનું આ સુકુમાર પુષ્પ નેલીએ પોતાના કુટુંબને, બાળકોને નવપલ્લવિત કરવામાં જીવનનું હીર નિચોવી નાખ્યું પણ અંતકાળે એના નસીબમાં તો રહી ઘોર એકલતા. આ એકલતાથી કોરાઈને છેવટે જીવનનો અંત આત્મહત્યા દ્વારા આણતી આ નારીની કથની પશ્ચિમની વ્યક્તિપ્રધાન સંસ્કૃતિની કરુણ નીપજ છે. વૃદ્ધો માટેના કારાગાર સમાં પશ્ચિમના નારીજીવનનું અહીં એક કરુણ રૂપ વાર્તાકારે ઉપસાવ્યું છે.

‘નેલી’ જેમ પશ્ચિમની નારીના કારુણ્યને વર્ણવે છે તેમ ‘મીંઢળબંધો’ ભારતના દેશી રાજ્યોમાં દીકરીની કરુણ અવદશાને શબ્દરૂપ આપે છે. જ્યાં ખાનદાનીના ખોટા ખ્યાલો અને મોટાઈનો દંભ નારીના મોં અને હૃદય ઉપર સો મણના તાળા લગાવી કેવી વેદનાના વડવાનલમાં જલાવે છે તે આ વાર્તાની રાજકુંવરી ફૂલ ઉપર વડીલોની મરજી વિરુદ્ધ એક સામાન્ય માનવી સાથે લગ્ન કરવાને કારણે ગુજરતા ત્રાસ અને છેવટે એના લેવાતા ભોગ દ્વારા નિરૂપ્યું છે. નિરૂપણની કેટલીક ત્રુટિઓ એક સરસ ભાવનાવાળી વાર્તાને કથળાવી મૂકે છે. જેમ કે ધર્મશાળામાં રાત્રીરોકાણ દરમિયાન વાર્તાનાયકને રાત્રે દેખાતી લગ્નચોરી, ફેરા ફરતા વરકન્યા, સુંદર સેજ ઉપર કન્યાનું થતું ખૂન વગેરે ઘટનાઓનું પ્રેતરૂપ દર્શન અપ્રતીતિકર લાગે છે. વાર્તાની મુખ્ય ઘટના એના દ્વારા કહેવાઈ છે એ ચોકીદાર જ રાજકુંવરીનો પતિ-પ્રેમી છે એ અંતમાં થતું રહસ્યોદ્ઘાટન આહ્‌લાદક છે. વાર્તામાંની ‘આકાશના વાદળ જેવી ભારતની ગાડીઓ’ (પૃ. ૩૨), ‘વક્રકેતુ જેવા સાંધાવાળા’ (પૃ. ૩૩), ‘જાસુદના ફૂલ જેવો જમાઈ’ (પૃ. ૩૮) જેવી ઉપમાઓ લેખકના ગદ્યને રળિયામણું રૂપ આપે છે.

જયભિખ્ખુ માને છે કે નારી કોઈ પણ સ્વરૂપે પુરુષ દ્વારા શોષાતી જ રહી છે. પરિસ્થિતિને પરવશ પડેલી એવી એક પવિત્ર અને નમણી નારીના કારુણ્યની વાત ‘દિયર-ભોજાઈ’ વાર્તામાં વર્ણવાઈ છે. બુંદેલખંડનો રાજા ઝુંઝાર દિલ્હી દરબારમાં જહાંગીર બાદશાહની ચાકરીએ રહેલો એ દરમિયાન એકલી પડેલી એની પત્ની સુરેખા પોતાના લાડલા દિયર હરદૌલ સાથે હસીખુશીમાં સમય પસાર કરતી હતી. બંને વચ્ચેના માતા-પુત્ર જેવા પવિત્ર પ્રેમને શંકાની નજરે નિહાળી ઝુંઝાર પત્નીના હાથે ભાઈને ઝેર