પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમાજમાં કલંકિત થવાના ડરે પત્ની પતિને વારે છે. આ ઘટનાને પોતાનું અપમાન સમજતો પત્નીના હૃદયભાવોને ન ઓળખી શકેલો બાવાવાળો જ્યારે માથે મોત ગાજે છે ત્યારે વડીલોની આજ્ઞાને વશ થઈ વંશવેલો વધારવા કાજે સામે ચાલીને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા આવેલી શીલવતી પત્નીના શીલ ઉપર શંકા કરે છે ત્યારે પતિ-તલવારે ખપી જતી કાઠિયાણીનું ચિત્ર નારીજીવનની કરુણતાને ઉપસાવે છે. ‘દિયર-ભોજાઈની’ અને ‘ચૂંદડી અને મોડિયો’ની નાયિકાઓનું કારુણ્ય લગભગ રૂપફેરે સરખું જ છે.

યુવાન, રૂપસુંદર, સંસ્કારી, શિક્ષિત નારીનો આક્રોશ વ્યક્ત કરતી ‘પારુલ’ વાર્તામાં પારુલ ઉપર પુરુષો દ્વારા થતા અત્યાચારના પ્રયત્નો વર્ણવાયા છે, ત્યારે પારુલમુખે લેખકનો આક્રોશ આ રીતે વર્ણવાયો છે : ‘સ્ત્રીને ફક્ત સુધરેલા કે સુધરેલા હોવાનો દાવો કરતા પુરુષની કામવાસના જ સંતોષવાની ?’ (પૃ. ૧૦૦). વાર્તામાં કેળવાયેલી ને સ્વતંત્ર કમાણીમાં માનતી સ્ત્રીને પુરુષોની કામવાસનાભરી વિષયુક્ત દૃષ્ટિનાં બાણ કેવી રીતે ઘાયલ કરે છે તે નિરૂપાયું છે. અલબત્ત, પુરુષો તરફની વધારે પડતી ફરિયાદોવાળી આ વાર્તા બોલકી બની ગઈ છે. વાર્તામાં કથાતત્ત્વ અને કલાતત્ત્વ નહીંવત છે. બે સખીઓના લાંબા અને ભાષણ જેવા સંવાદો દ્વારા જ વ્યથાનાં વીતક વર્ણવાયાં છે.

પ્રભુ ઈસુના જીવનની એક બહુ જાણીતી ઘટના ‘કોણ પાપી નથી ?’ વાર્તામાં ઇસુના નામ વગર વર્ણવાઈ છે. વાર્તામાં દેવમંદિરે આવેલી ગણિકાને પાપિણી ગણીને જ્યારે લોકો પથરા ફેંકે છે ત્યારે એક માણસ આવીને સૂચન કરે છે કે જેણે પાપ ન કર્યું હોય એ જ પથ્થર મારે. અને સૌ પોતપોતાની જાતને તપાસતા અટકી જાય છે. વાર્તાનો ધ્વનિ છે ‘મારતા ન શીખો, માફ કરતા શીખો.’

નારીજીવનને વર્ણવતી વાર્તાઓમાં જુદી પડતી ‘લાજ અને લગામ’ વાર્તા ઇરાનના શાહ નાદિરશાહના મોગલ શહેનશાહ મહંમદશાહ સાથેના યુદ્ધને તો વર્ણવે જ છે, પણ વાર્તાકારને વાર્તા દ્વારા જે બતાવવું છે તે એટલું જ કે જેની લગામ ખુદના હાથમાં ન હોય એવું કોઈ કામ ખુદ ખુદા સોંપે તો પણ ન કરવું. એ જ રીતે જે સ્ત્રીની પાસે લજ્જાનો શણગાર નથી એ સ્ત્રી કદીયે પોતાની કૂખે સાચા મોતીને પકવી શકતી નથી.