પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માટેનાં સાધનો છે. જો એનાથી મનઝરૂખાનું નકશીદાર અને નક્કર ચણતર ન થયું તો એટલી માનવીની મન-મહેલાત ઓછી સુંદર બનવાની અને એટલે અંશે માનવજીવન નિરર્થક થવાનું. મહાન મનઝરૂખાનો આદર્શ આપતાં તેઓ કહે છે, ‘મનમંદિરનું ઘડતર એવી રીતે થવું જોઈએ કે લાલચ તરફ, મોહ તરફ, અનીતિ તરફ મન જાય જ નહિ. કોઈ સૌંદર્યવતી અપેક્ષિત નારી સામે હોય, અબજોનો ભંડાર સમર્પણ થવા તૈયાર હોય, પ્રતિસ્પર્ધીનું ગળું પીસી નાખવા જેટલો ક્રોધપશુ ઊછળી રહ્યો હોય, સામે અકર્મ કરાવવા કોઈ કાપાલિક તરવાર લઈને ખડો હોય, તો પણ જે નીતિનો ચીલો લેશ પણ ચાતરે નહીં, પ્રાણ જાય પણ કષાયપશુને વશ થાય નહિ-એ મનઝરૂખો મહાન, એ માનવી શ્રેષ્ઠ’ (પૃ. ૮-૯). સંગ્રહની વિવિધ વાર્તાઓ મનઝરૂખાની આવી તરતમતા વિવિધ રીતે વર્ણવે છે.

મનઝરૂખા ઉપર આલેખાયેલાં વિધવિધ દૃશ્યોને કંડોરતા વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા શીર્ષકનામી છે. પૌરાણિક કથાસંદર્ભવાળી આ વાર્તામાં મનઝરૂખાને રાજકુમાર નાભાગે આપેલી ઉદાત્ત કેળવણીનું ચિત્રણ જોવા મળે છે. સમાજ ઉપર વર્ણાશ્રમ-વ્યવસ્થાની વધુ પડતી પકડને પરિણામે રાજકુમાર નાભાગ પોતે ક્ષત્રિય હોઈને વૈશ્યપુત્રી હેમાવતી સાથે લગ્ન કરે એને કારણે સમાજનો અને ખુદ રાજવી પિતાનો વેઠવો પડતો વિરોધ વેઠી પણ પોતાના આદર્શન અને પ્રેમને વફાદાર રહેતા રાજકુમાર નાભાગનું આખુંય વ્યક્તિત્વ ઉમદા મનઝરૂખાનું ઊજળું દૃષ્ટાંત પૂરું પાડે છે. પોતાના પ્રેમ માટે, આદર્શ માટે રાજ્યહક્ક ત્યજીને શ્રમભરી જિંદગી પસંદ કરતો નાભાગ વાર્તામાં સુરેખ રૂપે ઉપસ્યો છે. પૌરાણિક વાતાવરણયુક્ત વાર્તામાં લેખકના કેટલાક વિચારો આધુનિક છે, જેમકે, ‘ક્ષત્રિય કે વૈશ્ય’એ માનવસમાજે રચેલી એક સામાજિક વ્યવસ્થા છે. એ કોઈ કુદરતી કાનૂન નથી.’ (પૃ. ૪)

ઇતિહાસની ખૂબ જાણીતી ઘટના જેને શ્રી બાલમુકુંદ દવેએ ‘બેવડો રંગ’ કાવ્યમાં મઢીને લોકપ્રિય બનાવી છે એ જામનગરના રાજવીએ નીરખેલા દિલના અનોખા રંગને વર્ણવતી ‘રંગ દિલનો' વાર્તામાં પોતાના નગરના શ્રેષ્ઠિ સમારાશાની પાઘડી ઉપરનો લાલ મજીઠ રંગ નીરખી વિભાના મનમાં પણ પોતાની પાઘડીએ એવો જ રંગ ચડાવવાનું મન થયું.