પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એક, બે પ્રયત્ન પછી પણ જ્યારે એવો રંગ પોતાની પાઘડીમાં ન જોવા મળતાં રંગરેજ લક્ષ્મીને હાજર થવા ફરમાન થયું અને એમાંથી પ્રગટ થઈ એક સ્ત્રીના હૃદયપાતાળમાં વહેતી ગુપ્ત પ્રેમની ગંગોત્રીની ઘટના. જે વાતથી સમરાશા પણ અજાણ હતો એ વાત રંગરેજ લક્ષ્મીના મુખે વર્ણવાઈ છે. રંગરેજ લક્ષ્મીએ કઈ ક્ષણે સમરાશાના રૂપયૌવન ઉપર હૃદય ગુમાવ્યું, શા કારણે પ્રેમના એ વહેણને ગુપ્ત રાખ્યું વગેરેને વર્ણવતી આ વાર્તા પ્રેમની અનોખી ચાહ અને ચલણીને અભિવ્યક્ત કરે છે. વાર્તાન્તે પાત્રમુખે લેખક કહે છે, ‘દિલનું ફૂલ ન જાણે કેવા પાણીથી પમરે છે ! એ તો ચાતકની જેમ ભર ઉનાળે તળાવની પાળે તરસ્યુ મરે છે ને સ્વાતિના એક બુંદની રાહમાં ન જાણે કેટલીય જિંદગીઓ બક્ષિસ કરી નાખે છે.’ (પૃ. ૧૮)

‘રાઈનો દાણો’ વાર્તામાં એક એવા માનવીના હૃદયપરિવર્તનની કથા વર્ણવાઈ છે. જેના મનઝરૂખામાં દુષ્ટ દેખાતી દુનિયા લાગણીનો પ્રવાહ બદલાતાં શાહુકાર દેખાય છે. મિ. જોશીના સંપર્ક પછી સ્વાર્થની દુનિયાનું માછલું હબીબ કેવું પરિવર્તન પામે છે એ નિરૂપતી વાર્તાનો ધ્વનિ એ છે કે જો મનઝરૂખાને યોગ્ય કેળવણી આપવામાં આવે તો માનવજીવન આબદાર બની શકે છે.

હિન્દુ-મુસ્લીમ એકતાની સૂચક ‘દીવા પાણીએ બાળ્યા’ વાર્તામાં ધર્મનું એક ઉમદા સ્વરૂપ વાર્તાકારે મૂર્તિમંત કર્યું છે. સદાચારને જ આત્મસાધના માનતા સાંઈબાબાનું વ્યક્તિચિત્ર વાર્તામાંથી તાદ્ર્શ્ ઊપસે છે. ઊપાસની મહારાજ જેને પોતાના હિંદુત્વનું અભિમાન છે એ અભિમાન દીનવત્સલ સાંઈબાબા કઈ રીતે દૂર કરે છે એ વાર્તામાં વર્ણવાયું છે.

યજ્ઞનો સાચો ધર્મ પોતાનું સર્વસ્વ હોમીને પણ ધર્મનું, કર્તવ્યનું રક્ષણ કરવાનો છે, એ ધ્વનિને સૂચવતી ‘યજ્ઞનો ધર્મ’ વાર્તામાં એક હરિજન પોતાને આંગણે આશ્રય માગવા આવેલા બ્રાહ્મણને આશ્રય તો આપે જ છે પણ સાથે સાથે એને જમના મુખમાં જતો રોકવા માટે જમાઈ પણ બનાવે છે. આ વાર્તામાં મનુનું એક અળવીતરું પણ સોહામણું રૂપ વર્ણવાયું છે, જેમાં પારકી પીડા વહોરીને પણ માનવી પોતે કંઈ અનોખું કર્યાનો આત્મસંતોષ મેળવે છે.

એક સમય એવો હતો જ્યારે યાત્રાઓ અત્યારના જેવી સુગમ નહોતી.