પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જેમ સતત ચાલ્યા આવતા જનસમૂહની છલકાઈ ગઈ ત્યારે સામાન્ય જનપ્રવાહના નગરપ્રવેશ સામે પ્રતિબંધ મુકાયો. માત્ર શારદા અને લક્ષ્મીના પતિએ જ યોગ્ય પરીક્ષા પછી પ્રવેશમુદ્રા આપવાનું નક્કી થયું. એ સમયે એક શારદાકુટુંબ ધારામાં વસવા આવી પહોંચ્યું. મંત્રી મને રાજવીની પરીક્ષામાંથી પસાર થઈને ધારામાં વસવાની પ્રવેશમુદ્રા કઈ રીતે મેળવી એનું નિરૂપણ કરતી ‘પ્રવેશમુદ્રા’ વાર્તામાં રાજા ભોજનો તથા મંત્રીનો સરસ્વતી પ્રત્યેનો પ્રેમ, માણસ પરીક્ષાની દૃષ્ટિ સુંદર રીતે નિરૂપાયું છે.

ઈ. સ. ની અઢારમી સદીમાં કચ્છની ધરતી ઉપરથી રાજા નામનું પાપ દૂર કરવાની પ્રતિજ્ઞા લઈને નીકળેલા અંજારના દીવાન વાઘજી પારેખ, કોરા પારેખના જવાંમર્દીપૂર્વકના બલિદાનને વર્ણવતી ‘રાજા નામનું પાપ’ વાર્તામાં પ્રજાને ચૂસતા, પ્રજાને હેરાન કરતા રાજા નેતા તરીકે અયોગ્ય છે, અને જે અયોગ્ય છે એને રાજ્યની ધુરા વહન કરવાનો હોઈ હક્ક નથી અને માટે એમનો નાશ કરીને પ્રજાના હાથમાં રાજ્યતંત્રની બાગડોર આપ્યાની ઘટના વર્ણવાઈ છે.

‘તેં ત્રણ ખોયા’ વાર્તા રૂપકાત્મક ઢબે આત્મા, દેહ અને મન ત્રણેને ખોનાર માનવીની વાત કરે છે. યોગીમુખે રાણી પોતાના જ જીવનની કથાને સાંભળે છે. યોગી રાણીને એ વાતની પ્રતીતિ કરાવે છે કે આત્મારૂપી રાજા, દેહરૂપી માવત અને મનરૂપી ચોરને ગુમાવનારની પાસે પછી કશુંય રહેતું નથી.

‘દિવ્યજીવનના આશક’ વાર્તા પોતાને ત્યાં આવતા અનેક દરદીઓને, એમનાં દુઃખોને નીરખીને સંસારને સાચો સુખી બનાવવા દેહવૈદ મટી ભવવૈદ બનતા ડૉ. કુપ્પુસ્વામીનું સુરેખ વ્યક્તિત્વ ઉપસાવે છે. આ ડૉ. કુપ્પુસ્વામી એ જ ‘દિવ્યજીવનના આશક’ એવા સ્વામી શિવાનંદ સરસ્વતી. તો ‘હજાર દિવસનો દુકાળ’ વાર્તામાં પોતાના ગુરુ દ્વારા હજાર દિવસના દુકાળની આગાહી સાંભળી અગમબુદ્ધિ અને પરમ દાનવીર એવા જગડુશાએ જનતાના નામે ભંડાર ભરવા પોતાનું અઢળક દ્રવ્ય વાપર્યું. ૪ અબજ મણ અનાજ અને સાડા ચાર કરોડ રૂપિયા વાપરી જગડુશાહે દેશને દુકાળમાંથી તાર્યો. આ સુપ્રસિદ્ધ દાનવીર વેપારીને વાર્તામાં લેખકની ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ છે.