પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘બોલતા ઇમારતી ઝરૂખા’માં ઇમારતી ઝરૂખાને બોલતા બતાવી એમના મુખે ભારતનો ઇતિહાસ જયભિખ્ખુએ વર્ણવ્યો છે. એક સમય એવો હતો જ્યારે ભારતમાં હિંદુ-મુસ્લિમ ઐક્ય અનેરું હતું. અંગ્રેજોની તરકટી ચાલને કારણે આ ઐક્ય તૂટ્યું, ભારત ગુલામીની જંજીરમાં જકડાયો, અનેક શહીદોએ પોતાના લીલુડાં માથાં વધેરી દેશને સ્વતંત્ર બનાવ્યો. ઇતિહાસની આ બધી ઘટનાઓ આછા લસરકાથી વાર્તાતત્ત્વરૂપે વણીને જયભિખ્ખુએ નિરૂપી છે.

મિથિલાના મહારાજ જનકવિદેહની કુળપરંપરાના રાજવી ધર્મધ્વજની જીવનમુક્તતાની કસોટી કરવા એક સંન્યાસિની મેદાને પડી. એણે પૂર્ણિમાની રાતના ચાર પહોરનું એકાંત રાજા સાથે માણવા માગ્યું. દૂધ અને પાણીને જુદા પાડનાર માનસ સરોવરની આ હંસીની આકરી પરીક્ષા દરમિયાન કામ અને મોક્ષ વચ્ચે અટવાતા રાજવીનું અને છેવટે બંનેના પોતાના ઉચ્ચતા બાબતના ગર્વ ગળી ગયાનું સુરેખ નિરૂપણ ‘જીવનમુક્તની રાત’ વાર્તામાં થયું છે. માનવીમાંની સદ્-અસદ્ નિ વૃત્તિઓનું, એની કેળવણીનું, એ વૃત્તિઓના માનવ-જીવન ઉપર પડતાં પ્રભાવનું જયભિખ્ખુએ વાર્તામાં સરસ આલેખન કર્યું છે.

‘સો સાપ-એક મુસદ્દી’ની બે વાર્તાઓમાં પૂંજો, પાતાળ અને ભગવાન શ્રીકૃષ્ણના મુસદ્દી તરીકેના એકબીજાથી વિપરીત એવાં રૂપો આલેખાયાં છે. મુસદ્દીપણાને કારણે પ્રપંચ બંને ખેલે છે પણ પૂંજા પાતાળની દૃષ્ટિ સ્વાર્થ ઉપર છે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણની દૃષ્ટિ લોકકલ્યાણ પર. પહેલો પોતાની અતુલ શક્તિનો ઉપયોગ દેશને અધ:પાત તરફ લઈ જવામાં કરે છે, જ્યારે બીજો અધઃપાતમાંથી દેશને ઉગારે છે. સો સાપને ઘરમાં છૂટા મૂકવા સારા, પણ એક મુસદ્દીને જીવતો રાખવો ભૂંડો એ ધ્વનિને પ્રગટ કરતી આ વાર્તાઓ મનઝરૂખાના બે વરવાં-ગરવાં ચિત્રોને એક સાથે ઉપસાવી મનઝરૂખાની તરતમતા બતાવે છે.

પાપભૂમિમાં પુણ્યનાં વાવેતર કરવાના સદુદ્દેશથી પ્રેરાયેલા શ્રી શાંતિપ્રસાદ મહારાજની માનવરૂપી મંદિરમાં પોઢેલા દેવને જગાડવાની પ્રેરણા આપતી ‘સૂકો રોટલો’ વાર્તા ઉપદેશાત્મક વધુ છે, તો મેવાડમાં જન્મેલા અને જ્ઞાનગરવી ગુજરાતને કર્મભૂમિ બનાવી રહેલા ૭૬ વર્ષના