પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નારીરૂપમાં પરિવર્તન થયું, નારીરૂપે એણે પુત્રોને જન્મ આપ્યો. જ્યારે ખફા થયેલો ઇન્દ્ર નર કે નારીરૂપમાંથી એક રૂપમાં થયેલા પુત્રોને બચાવવાનું કહે છે ત્યારે ભંજદેવ સ્ત્રીવેદે થયેલા પુત્રોને બચાવવાનું કહે છે અને કારણમાં જણાવે છે કે એ એના ઉદરમાં આળોટેલા છે એ જ રીતે જ્યારે ઇન્દ્રે પૂછ્યું કે તારે પુરુષ થવું છે કે સ્ત્રી રહેવું છે ત્યારે એણે સ્ત્રી અવસ્થામાં પોતાને સુખ મળતું હોવાથી સ્ત્રી રહેવાનું પસંદ કર્યું. આજનો માનવી કોમળતા, સુખ અને સગવડો તરફ આંધળી દોટ દઈ રહ્યો છે એ તરફ ધ્યાન દોરતી આ વાર્તા પૌરાણિક રૂપમાં આધુનિક ભાવનાને કથે છે.

‘દાન આશા ને અપેક્ષા સાથે થાય છે. દાન લેનાર એ સાપ પકડનાર ગારુડી જેવો છે. જો એની પાસે મંત્રસિદ્ધિ વિદ્યા ને ધર્મસિદ્ધ જીવન ન હોય તો વિષધરની કાતિલ દાઢની જેમ એ દાન એને પણ દંશ દે છે.’ (પૃ. ૧૭૩-૧૭૪). દાનધર્મના લેખકસર્જ્યા આવા માપદંડને પ્રગટ કરતી ‘દાનધર્મ’ વાર્તામાં એક કુષ્ઠરોગી રાજવી દ્વારા એની ભારોભાર સુવર્ણરૂપે અપાતું ધન જે બ્રાહ્મણ દાન તરીકે ગ્રહણ કરે એને એ ધન સાથે રોગ પણ પ્રાપ્ત થાય. આ કારણે એ સુવર્ણાદાનને ગ્રહણ કરવા મથુરાનો કોઈ બ્રાહ્મણ તૈયાર નથી થતો ત્યારે કાનજી ભટ્ટ દાન ગ્રહણ કરી રાજાના કુષ્ઠ રોગને પણ સ્વીકારે છે એટલું જ નહીં, પણ પોતાના શુદ્ધ બ્રાહ્મણત્વ દ્વારા ગાયત્રી મંત્ર જપીને જમુનાને સુવર્ણદાન કરીને રોગમુક્ત પણ થાય છે. દાન લેનાર અને દેનારનો મહિમા વર્ણવતી આ વાર્તામાં કાનજી ભટ્ટનું પાત્ર સુંદર ઊપસ્યું છે.

નેતાઓના હસતા ચહેરાની ભીતરમાં કાળજાં કોરનારી કેવી ક્રૂર એકલતા પડેલી હોય છે એ વર્ણવતી ‘નેતા રામ’ વાર્તા નેતાના એક અનોખા આદર્શને રામના નેતાસ્વરૂપના આલેખન દ્વારા મૂર્તિમંત કરે છે. પ્રજાઘડતરની બલિવેદી પર જેણે પોતાની નિષ્કલંક પ્રાણપ્યારી પત્ની અને પોતાના દ્વિતીય પ્રાણ સમા ભાઈ લક્ષ્મણને ત્યજીને જે વેદના વેઠી એ રામ નેતૃત્વનો એક અનોખો આદર્શ આજના ભારતના નેતાઓને પૂરો પાડે છે.

‘પગનું ઝાંઝર’ સંગ્રહની વાર્તાઓમાંની કેટલીક જંજીરને ઝાંઝર બનાવવાની વ્યક્તિની ક્ષમતાને વર્ણવે છે, તો કેટલીકમાં ઝાંઝર જંજીર બનીને માનવમાંના દાનવત્વને કેવું વિરૂપ રૂપ આપે છે તે નિરૂપાયું છે.