પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તાકારે સરસ ઉપસાવી છે. ‘બીજાના આનંદમાં જેનું મન કોળે એ માનવ’ (પૃ. ૨૦) – લેખકની આ ભાવના વાર્તાનું વસ્તુ સુપેરે ઉપસાવી આપે છે.

‘મન વૃંદાવન તન વૃંદાવન’ વાર્તા નારાયણ નામના એક સંતની નરમાં બેઠેલા નારાયણને જગાડવાની મથામણનું નિરૂપણ કરે છે. માનવી પોતાના તન અને મન બંનેને વૃંદાવન બનાવે તો વહાલો વણનોતર્યો ત્યાં આવીને વસી જાય. પ્રેમનું બળ કડીમાં માતંગની શક્તિ પૂરનાર બને છે, જ્યારે પ્રેમવિહોણો માતંગ એક કીડીને કચડી શકે છે, વશ કરી શકતો નથી એ સંદેશ આપતી વાર્તા પ્રેમના, ભક્તિના મહાત્મ્યને વર્ણવે છે.

ઝાકળને મોતી બનાવનાર, માટીમાંથી માણસાઈ પ્રગટાવનાર, જેસલ જેવા બહારવટિયાને પોતાની અનોખી ભક્તિથી શિષ્ય બનાવનાર તોરી રાણીનો જીવનપ્રસંગ નિરૂપતી ‘ઝાકળ બન્યું મોતી’ વાર્તામાં તોરી રાણીને અતિથિધર્મને જાળવવા સધિરશાહ જેવા વાણિયા સમક્ષ કેવી મોટી કિંમત ચૂકવવા તૈયાર બનાવી, તોરી રાણીના આ ઉમદા અર્પણભાવે રૂપભૂખ્યા વાણિયામાં ભક્તિનું નિર્મળ ઝરણું કઈ રીતે પ્રગટાવ્યું તે નિરૂપાયું છે. નારીના શીલમાં રહેલી અનોખી તાકાતનો પરિચય તોરી રાણીના પાત્રમાં લેખકે કરાવ્યો છે.

એક વિશિષ્ટ પ્રકારનાં વેર અને પ્રીતને વર્ણવતી ‘દોસ્તીના દાવમાં’ વાર્તા ઇતિહાસમાં બનેલી ઘટનાને શબ્દરૂપ આપે છે. ગુજરાતના મૂળરાજ સામે યુદ્ધે ચડેલા પોતાના બાલમિત્ર ગ્રહરિપુને મદદે જવા તૈયાર થયેલા કચ્છના લાખા ફુલાણીને પોતાની રાણી, પ્રધાન, પુરોહિત જ્યોતિષ સર્વ રોકે છે. ગ્રહરિપુના અન્યાય અને આતંકની યાદ દેવડાવી એવાનો સાથ ન દેવા વીનવે છે પણ બાળપણની પ્રીતની યાદમાં કટોકટીની ક્ષણે દોસ્તનાં દૂષણો શોધવાને બદલે દોસ્તીના દાવમાં તે પોતાની જાન કુરબાન કરી દે છે. દોસ્તી કર્યા પછી મિત્રની સારપ-ખોટપને ત્રાજવે તોળવાને બદલે મિત્ર માટે વખત આવ્યે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવામાં જ સાચી મૈત્રીનું સાર્થક્ય છે એ વાતનો મુખ્ય ધ્વનિ છે.

ગીરના ઝરખ તરીકે પંકાયેલ બહારવટિયા અબ્દુલ્લાને એક કેસરિયા સાવજ જેવા અમલદાર છેલભાઈ અનોખા પ્રેમવારિથી કઈ રીતે માણસ બનાવે છે તે નિરૂપતી ‘કાલે તલવાર, આજે ઢાલ’ વાર્તામાં પલટાતા માનવ મનનું નિરૂપણ થયું છે. જ્યારે ‘દૂધડાં હલાલ’ વાર્તાનો વિષય ન અનોખો