પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. પોતાની આજુબાજુવાળાઓને દૂધનું દહીં, દહીંનું માખણ કે માખણનું ઘી ના કરી એ દ્વારા ગરીબનું ભાણું લૂંટી શ્રીમંતનું ભાણું ન ભરવાની પ્રેરણા આપનાર વાંકાનેરના જડેશ્વર મહાદેવના ખાખી જોગંદરની વાત આ વાર્તામાં આલેખાઈ છે. ‘ઘી શ્રીમંતાઈ છે, દૂધ ગરીબોની અમૃતાઈ છે’ નો નવો વિચાર આપતી આ વાર્તામાં દૂધડાં હલાલ કરવા ખાખી જોગંદર વખત આવ્યે પોતાનું કેવું પ્રાણાર્પણ કરે છે તે ઠીક નિરૂપાયું છે.

વેરના વલોણે પ્રજાઓનું કેવું સત્યાનાશ વળે છે એ વર્ણવતી ‘વલોણું’ વાર્તા સોળમી સદીમાં શિહોરમાં બ્રાહ્મણોના આંતરકુસંપે એમને કેવા ખેદાનમેદાન કર્યા એનું નિરૂપણ કરે છે. જાની અને રણા બ્રાહ્મણો એક નાની બાબતમાં એવું લડ્યા કે એ લડાઈમાં મરેલા બ્રાહ્મણોની જનોઈ ભેગી કરી એનું વજન કરતાં સવા મણ થયું હતું. અંગ્રેજ સત્તા સામે હિંમતપૂર્વક બાકરી બાંધી સયાજીરાવ ગાયકવાડનું કારભારી પદ ઉજ્વળ રીતે સંભાળનાર વેણીશંકર રાવળના મુત્સદ્દીપણાને નિરૂપતી ‘હિંમતે બહાદુર’ વાર્તામાં દેશી રજવાડાની ખટપટ અને અંગ્રેજોનું સ્વાર્થી મનોવલણ વાર્તાકારે ઉપસાવ્યા છે.

‘સુદેવી’ વાર્તા એક નારીના સંસારનજરે કલંકિત પણ અંતરના સાચા ઉમદાપણાને ઉપસાવે છે. તકદીરને સામે સતત લડનાર વિધવા સુદેવી પોતાને ખાતર દુનિયામાં બદનામ થનાર વિધુર હંસરાજ શેઠને સાચો પ્રેમ તો કરે જ છે, પણ એમના પુત્રો જ્યારે મિલકત માટે અંદરોઅંદર ઝઘડી ખેદાનમેદાન થવા જતા હતા ત્યારે પોતાની બધી મિલકત એમને માટે વાપરીને પ્રેમનું ઋણ ચૂકવે છે. ‘સ્ત્રી નાછૂટકે ખરાબ થાય છે’ એ ધ્વનિને શબ્દરૂપ વાર્તામાં મળ્યું છે.

વેર માણસને દાનવ બનાવે છે. માણસમાં રહેલી અભૂતપૂર્વ દાનવતાનું દર્શન કરાવતી ‘વેર, વેર ને વેર’ વાર્તામાં સાઠ લાખ યહૂદીઓનું નિકંદન કાઢનાર જર્મન ઇચમેર પોતે કેવી ખરાબ રીતે મરે છે એ નિરૂપાયું છે. યુદ્ધ વગર ગેસ ચેમ્બરમાં ભરીને એણે યહૂદીઓનું સત્યાનાશ વાળ્યું. પ્રતિબોધનું ચકકર પોતાનાને અને પોતાને પણ કેવું ઝડપી લે છે એ વાર્તામાંથી સરસ ઉપસ્યું છે. ભગવાન વિષ્ણુના બુદ્ધાવતારના મહાકાર્યને વર્ણવતી ‘બુદ્ધાવતાર’ વાર્તામાં બુદ્ધાવતાર પછી પૃથ્વી પ્રેમ અને કરુણાથી સ્વર્ગને શરમાવે એવી સુંદર કઈ રીતે બની ગઈ તે નિરૂપાયું છે.