પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગૌસ્વામી તુલસીદાસજી સમક્ષ કિરપાણ મૂકી, સર્પકુળ જેવા રાજકુળોની કૂડકપટ ભરેલી જીવનરીતિ ત્યજીને અકબરના સંરક્ષક શિક્ષક બહેરામખાંનો પુત્ર મિરજાખાન કવિરાજાના દરબારનો સભ્ય થવા આવી પહોંચે છે, એને નિરૂપતી ‘કલમ અને કટારી’ વાર્તા કટારી કરતાં કલમની ઉદાત્તતાને વર્ણવે છે. ‘તલવાર પર ભરોસો રાખનારાનાં તકદીર હંમેશાં ખરાબ જ હોય છે. જેના નામ પર જગત આખું થડકારો અનુભવતું એના પર કોઈ ગમનાં બે આંસુ પણ સારતું નથી.’ (પૃ. ૧૩૨)

સૌરાષ્ટ્રના ઉત્તર છેડે છેક કચ્છના રણ નજીક આવેલું ખાખરેચી ગામ જે માલિયા-મિયાણા સ્ટેટનું પ્રાભવવંત ગામ હતું એના ઠાકોર રાયસિંહજી ના પ્રજા ઉપર કરાતા અત્યાચાર સામે અહિંસક યુદ્ધે ચઢેલા મગનલાલ પાનાચંદ વોરાનું વ્યક્તિચિત્ર નિરૂપતી ‘કર્મયોગી’ વાર્તામાં મગનલાલનું વ્યક્તિચિત્ર સુપેરે ઊપસ્યું છે. જ્યારે અમર શહીદ ખુદીરામ બોઝના જીવનચરિત્રને આછી શબ્દરેખાઓથી ઉપસાવતી ‘જમના જમાઈ’ વાર્તામાં જમની સામે છેતરામણી ઊભી કરીને જનેતાએ કઈ રીતે બાળકને બચાવ્યો, મા-બાપની છાયા ગુમાવી બહેનની વહાલપ અને બનેવીની ઉપેક્ષા વચ્ચે કઈ રીતે ઉછર્યો, મમતામૂર્તિ ગુરુ સત્યેન બોઝના હાથે કઈ રીતે ઘડાયો તેનું નિરૂપણ કરે છે.

માણસ તેજઅંધારાનો લિસોટો છે. તેજે ભરેલું વ્યક્તિત્વ ક્યારેક અંધકારની કાજળકાળી રેખાથી પણ અંકાય છે, એનું નિરૂપણ કરતી ‘ગંગી’ વાર્તામાં સંસારસાગરમાં ખીલેલી એક તુચ્છાતિતુચ્છ ફૂલ જેને સૌ ગગીના નામે જાણતા હતા એણે એક શ્રીમંત કુટુંબની સેવા ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરી. અતૂટ વિશ્વાસ મેળવ્યો પણ કમભાગ્યની કોઈ ક્ષણે એ જ ઘરમાં ચોરી કરી. પણ પોતાનું આ કાર્ય એને પોતાને જ એવું ડંખી ગયું કે છેવટે આત્મહત્યા જ એનું પ્રાયશ્ચિત બની રહ્યું. વાર્તામાં અંતભાગે ગગી પાસે જે ચોરીનું કામ કરાવ્યું છે તે વાર્તામાંથી ઊઠતા એના વ્યક્તિત્વ સાથે બહુ સુસંગત બનતું નથી.

કચ્છની સૂકી છતાં શૂરાતનભરી ભૂમિના એક અદના કલાકાર ઢોલી ફાગણની અનુપમ ઢોલીસર તરીકેની ખ્યાતિ, એના અસાઢા ઢોલના તાલ ઉપર પાગલ બનતી નારીઓ, એને કારણે ખાનદાન સ્ત્રીઓને કુછંદે ચઢાવ્યાનો એની ઉપર મુકાતો આરોપ, એ આરોપને પગલે પગલે અક્ષયતૃતીયાની રાત્રિએ ડોળના તાલે રમણે ચઢેલી રમણીઓની વચ્ચે