પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આહીરો દ્વારા થતી એની હત્યા, આ હત્યાએ આહિરાણીઓના હૃદયમાં જગાવેલો પ્રણયપ્રકોપ, વજ્રવનિતાઓની જેમ એમણે કરેલું અગ્નિસ્નાન વગેરેને નિરૂપતી ‘ફાગણ અને અષાઢો’ વાર્તામાં ફાગણની કલાપ્રીતિનું હૃદ્ય આલેખન થયું છે.

ગુજરાત જ્યારે દુષ્કાળની ચુંગાલમાં ફસાયું હતું અને ગુજરાતના શાહ સુલતાન મહમૂદ બેગડાએ પ્રજાના પોષણની પોતાની જવાબદારી બજાવવાની અશક્તિ જાહેર કરી, એ જવાબદારી મહાજનને માથે નાખી ત્યારે હડાલા નામના ગામડાના એક સામાન્ય દેખાતા વાણિયાએ આખા ગુજરાત રાજ્યના લોકોને બાર મહિનાનું અનાજ પૂરું પાડવાની જવાબદારી સ્વીકારી, ગુજરાતને દુષ્કાળમાંથી તારનાર શાહ વાણિયાની સાદાઈ, નમ્રતા અને છતાં ધર્મના કાર્ય લક્ષ્મીને વાપરવાની તમન્ના નિરૂપણ વાર્તામાં સરસ રીતે થયું છે.

જયભિખ્ખુના આ પછીના સંગ્રહો સંપાદનો છે જેમાં જયભિખ્ખુના વિવિધ સંગ્રહોમાંથી પસંદ કરાયેલી વાર્તાઓનું કોઈએ ને કોઈએ સંપાદન કરેલું છે.

નવલકથાની જેમ નવલિકાક્ષેત્રે પણ વિપુલ અને વૈવિધ્યવંતુ સર્જન કરનાર જયભિખ્ખુ પાસે કુલ ૨૯ વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. આ વાર્તાસંગ્રહોમાં ‘જયભિખ્ખુની વાર્તાસૌરભ : ભા. ૧, ૨’ એ જયભિખ્ખુની કેટલીક ચૂંટેલી વાર્તાઓનું શ્રી ધીરુભાઈ ઠાકર દ્વારા થયેલું સંપાદન છે. એમના પુત્ર ડૉ. કુમારપાળ દેસાઈએ પણ જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા ‘આંખ નાની આંસુ મોટું’ (ઈ. સ. ૧૯૭૨) અને અરિહંત પ્રકાશન દ્વારા ‘જયભિખ્ખુની ધર્મકથાઓ’ ભા. ૧, ૨ (ઈ. સ. ૧૯૮૫) મથાળે જયભિખ્ખુની કેટલીક વાર્તાઓનું સંપાદન કર્યું છે. વળી જયભિખ્ખુના ષષ્ટિપૂર્તિ વિશેષાંકમાં જેમને વાર્તાસંગ્રહનું લેબલ લગાવાયું છે એવી કેટલીક કૃતિઓ જેવી કે ‘કામનું ઔષધ કામ’, ‘મનવા ભાણની ટેકરી’, ‘લીલો સાંઠો’ હકીકતે વાર્તાસંગ્રહ નથી પણ જે તે નામની એક એક વાર્તાની પુસ્તિકાઓ છે અને એમાંની વાર્તાઓ બાકીના સંગ્રહોમાં પુનર્મુદ્રિત થઈ ચૂકી છે. આમ સંપાદિત વાર્તાસંગ્રહો અને એક એક વાર્તાવાળી પુસ્તિકાઓને ગણનામાંથી બાદ કરીએ તો જયભિખ્ખુ પાસેથી કુલ ૨૧ વાર્તાસંગ્રહો મળે છે, જેમાંની કુલ ૩૬૫ વાર્તાઓમાંથી ૧૮ વાર્તાઓ નામફેરે અથવા એના એજ નામે પુનરાવર્તન પામી છે.