પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાર્તાને આધારે લખાઈ છે જ્યારે ‘ગુલાબની શૈયા’ (કન્યાદાન) શ્રીમતી પકવાસાની આ જ નામોરી વાર્તાનો લેખકદીધો ભાવાનુવાદ છે.

વાર્તામાં વસ્તુ ન જેનું હોય છતાં વાર્તાકારે પોતાની કહેણીને બળે વાર્તાને આકર્ષક બનાવી હોય એવું આ વાર્તાસૃષ્ટિમાં ક્યાંક થયું છે. જેમકે ‘અમચી મુંબઈ’ (યાદવાસ્થળી), ‘મકાઈનો દાણો’ (સતની બાંધી પૃથવી) આ દૃષ્ટિએ નોંધનીય ગણી શકાય. સાંપ્રદાયિક પરિવેશવાળી વાર્તાઓમાં ‘સાંકળી ફઈબા’ (કંચન અને કામિની) તથા ‘ધર્મલક્ષ્મી’ (મનઝરૂખો) જુદી તરી આવે છે. એમાં વાર્તાકારે સાંપ્રદાયિક વાતાવરણ ઉપસાવવા બધી રીતે પ્રયત્ન કર્યો છે. ‘સાંકળી ફઈબા’ તો સ્વરૂપની દૃષ્ટિએ પણ વાર્તાઓના ઝૂમખામાં જુદી પડે છે. આત્મકથનાત્મક સ્વરૂપે લખાયેલી આ વાર્તા સરસ પણ નીવડે છે.

પાળીયા, દેરીઓ, મેળા કે લોકકથાઓએ પણ વાર્તાકાર જયભિખ્ખુને સર્જનનું નિમિત્ત પૂરું પાડ્યું છે. ‘સતની બાંધી પૃથવી’ સંગ્રહમાંથી મોટા ભાગની વાર્તાઓના સર્જનનું કારણ બની છે લોકકથાઓ, વાર્તાકારની ખૂબી એ વસ્તુમાં રહેલા સમર્પણ તત્ત્વને ઉપસાવવામાં રહેલી છે. આ વાર્તાઓ એમાંના ઉમદા નીતિતત્ત્વ અને માનવતાની સુગંધને કારણે સમાજના સર્વ વર્ગને પ્રેરણારૂપ બને છે.

વિષયવૈવિધ્યથી ઓપતી આ વાર્તાસૃષ્ટિનું ટૂંકી વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ વર્ગીકરણ અને મૂલ્યાંકન કરીએ તો વાર્તાકાર જયભિખ્ખુ જૈન સાહિત્ય, પુરાણ-ઇતિહાસ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરે છે. પણ પછી તેને રસવાહી ઓપ પોતાની રીતે આપે છે, અને એમાં જ એમની વાર્તાકાર તરીકેની ખરી નિપૂણતા અને સર્જનશીલતા રહેલી છે : શ્રી ધીરુભાઈ ઠાકર વાર્તા અભ્યાસીને શા કારણે ગમી એ ધોરણે વાર્તાની કસોટી કરવાની હોય તો બે બાબતોનો વિચાર કરવાનો આગ્રહ રાખે છે : (૧) વાર્તાનું વસ્તુ રસ પડે એવું છે કે નહી ? (૨) તેની લખાવટ આકર્ષક છે કે નહીં ? એમાં વસ્તુને સમજવું તો સહેલું છે. વાર્તામાં સૌથી રસદાયક પ્રસંગ કયો છે તે પણ પારખી શકાય, પણ અઘરું કામ તે એની લખાવટની ચકાસણી કરવી તે છે. લખાવટમાંથી વાર્તાકારનો ખરો કલાકસબ પ્રગટ થાય છે. એની પરખ કરવાનું કામ મુશ્કેલ છે. આમ તો ટૂંકી વાર્તા નાનું કદ હોવા છતાં સ્વતંત્ર