પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કલાસ્વરૂપવાળો સાહિત્યપ્રકાર છે. પાત્રપ્રસંગ કે વાતાવરણને એકબીજા જોડે સાંકળી લે તેવા માનવભાવ કે ઊર્મિના રસકેન્દ્રની આસપાસ તેની ગૂંથણી થાય છે, વાર્તાકારનો ઉદ્દેશ પણ વાર્તામાંથી માણસના હૃદયને સ્પર્શે એવો એકાદ ભાવ કે વિચારને ઝબકાવી દેવાનો હોય છે. આથી સૌથી પહેલું એ જોવાનું રહે છે કે ટૂંકી વાર્તાનો લેખક માનવહૃદયનો કયો ભાવ કે વિચાર પોતાની વાર્તામાં ઉતારવા માગે છે ? અને એ ભાવ શી રીતે પ્રગટ થાય છે. કુશળ વાર્તાકાર પાત્રનું જીવતું જાગતું ચિત્ર આપીને કે પ્રસંગનો આબેહૂબ ચિતાર આપીને વાચકના હૃદયને વીંધે છે. વાર્તાની ચોટ પ્રસંગચિત્રમાં છે કે પાત્રાલેખનમાં કે પછી વાર્તાવર્ણનમાં છે એટલું જ નક્કી કરી શકાય તો લખાવટ વિશે આપણા મનમાં યોગ્ય અભિપ્રાય આપવા જેટલી સ્પષ્ટ છાપ ઊઠે જ છે.

ટૂંકી વાર્તાના કલાતત્ત્વના આ માપદંડને લક્ષ્યમાં રાખીને જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિનો ચકાસીએ તો આપણે આગળ જોયું તેમ વાર્તાકાર જયભિખ્ખુ પુરાણ, ઇતિહાસ કે સમાજમાંથી વસ્તુ પસંદ કરે છે પણ પછી તેને રસવાહી ઓપ પોતાની રીતે આપે છે. વસ્તુની મૃદુતાપૂર્ણ માવજત, રસળતી ભાષારોચક શૈલી અને સર્જક કલ્પનાશક્તિ તેમના વાચકને વાર્તામાં તલ્લીન અને તરબોળ બનાવી દે છે.

શ્રી ધીરુભાઈ ઠાકરના મતે જયભિખ્ખુની વાર્તાઓમાં સંવેદનની સચ્ચાઈ અને કથનની સરસતા છે. અલબત્ત, એમનામાં આધુનિક નવલિકાનું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ કે માનવસ્વભાવનું સૂક્ષ્મ વિશ્લેષ્ણ નથી. તેમનો એ આદર્શ પણ નથી. તેમને તો માનવસ્વભાવની ખાનદાની અને જિંદાદિલીનો જ પરિચય આપવો છે. પ્રેમ અને શૌર્યના કસુંબી રંગને માટે જ જયભિખ્ખુને વિશેષ અનુરાગ છે. તેમનામાં ભાવજમાવટની અનોખી કુશળતા છે. ‘મનઝરૂખો’, ‘પગનું ઝાંઝર’ જેવા વાર્તાસંગ્રહોની વાર્તાઓ જયભિખ્ખુની ભાવનાશક્તિની પરિચાયક બને છે.

જયભિખ્ખુની પાત્રસૃષ્ટિ ‘માનવ’ શબ્દના અર્થને વિવિધ પ્રકારના પાત્રોના ચિત્રણથી સાર્થક બનાવે છે. એમની વાર્તાઓ માત્ર મહાત્માઓને જ પાત્રરૂપે નથી આલેખતી. સામાન્ય કોટિના જીવો પણ જીવનની કોઈ ધન્ય