પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ક્ષણે ઉદાત્ત જીવન જીવી જાય છે, જીતી જાય છે, એ બતાવતી આ પાત્રસૃષ્ટિ ત્યાગ, શહાદત અને સ્વાપર્ણનો મહામંત્ર મૂકી જાય છે. જયભિખ્ખુની વાર્તાઓમાંની પાત્રસૃષ્ટિ અમુક કર્મઠ કર્મકાંડના નીતિનિયમો જાળવે છે. પણ જીવનનો ઉલ્લાસ એ ગુમાવી દેતી નથી. એનું કારણ વાર્તાકારની રસિક જિવનદૃષ્ટિમાં રહેલું છે. ધર્મની શુષ્કતાને એમણે પોતાનાં પાત્રોમાંથી ઓગાળી નાખી છે અને માનવતા તથા જીવનના શુદ્ધ આનંદનો રંગ એને લગાડ્યો છે.

જયભિખ્ખુની ઉપરથી વિવિધરંગી લાગતી પાત્રસૃષ્ટિ એમાંના ગુણોની બાબતમાં ક્યાંક એકસરખી પણ જણાય છે. પાત્રોની પરિસ્થિતિઓમાં વૈવિધ્ય હશે પણ તેમના ભાવના વ્યવહારો લગભગ સમાન છે. દિલાવરી, અમીરી, શૌર્ય, નર્ક-ટેક, ત્યાગ, સ્વાર્થર્પણ, શહીદીની મસ્તી અને ભાવના તથા રસિકતાના કસુંબા એમનાં પાત્રો ઘૂંટતા રહે છે. તેમની આ વાર્તાસૃષ્ટિનાં પાત્રોનાં વ્યક્તિત્વમાં સત્ય માટેની તાલાવેલી અને ફના થઈ જવાની ભાવના છે. અહીં આલેખાતું આદર્શનું ચિત્ર કોઈ ઉપદેશરૂપે નથી અપાતું. લેખકને મન આ તો માનવસ્વભાવમાં પડેલી સુગંધ જ છે તેને તેઓ યથાર્થ રૂપે ઉપસાવે છે. જયભિખ્ખુનાં કેટલાંક પાત્રો તો એવાં છે કે જે અંધારી રાતમાં આવે છે ને અંધારી રાત પૂરી થાય તે પહેલાં વિદાય લે છે, ફક્ત કોઈ વૃક્ષ ઉપરના પર્ણ પર સત્કર્મના બે જલબિંદુ મૂકીને. જયભિખ્ખુની કલમ એ જલબિંદુને ઝીલતાં ચાતકનો રોમાંચક તલસાટ વ્યક્ત કરે છે અને એમાંથી જીવનસિંધુનો રમ્ય ઘૂઘવાટ સંભળાવે છે.

વાર્તાકાર જયભિખ્ખુ પાત્રોને ક્યાંક વર્ણનથી ઉપસાવે છે તો ક્યાંક પાત્રો પોતે પોતાનાં કાર્યોથી પણ ઊપસે છે. વાર્તાકાર ક્યારેક પાત્રના તેજ- અંધારભર્યા વ્યક્તિત્વને આલેખે છે, તો કલાકારના કારુણ્યને અથવા રાષ્ટ્રપ્રેમની ધગશને પણ પાત્ર દ્વારા ઉપસાવે છે. સમાજની દૃષ્ટિએ ધૃણિત પાત્રોનું નિરૂપણ પણ વાર્તાકાર એવી કુશળતાથી કરે છે કે એ પાત્રો તરફ ધૃણાને બદલે સમવેદના ઊપજે છે. ક્યારેક એક પાત્રની ઉદાત્તતા ઉપસાવવા બીજા પાત્રને હીણું ચીતરતાં નથી. વાર્તાકાર પોતે પણ ક્યાંક પાત્ર બનીને ઝળકી જાય છે. અલબત્ત, આટલી વિશાળ પાત્રસૃષ્ટિમાં ક્યાંક એવું પણ