પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નિરૂપણ થયું છે કે જ્યાં વાર્તાકાર પાત્રોને પોતાની આંગળીથી સહેજ પણ વિખૂટાં પાડતો નથી અને એને કારણે પાત્રચિત્રણમાં જે પ્રભાવકતા આવવી જોઈએ, જીવંતતા લાગવી જોઈએ એ ઓછી અનુભવાય છે.

વાર્તાઆલેખન માટે જયભિખ્ખુ જ્યાં સંવાદને કામમાં લે છે ત્યાં સંવાદો ટૂંકા, સચોટ અને વ્યક્તિત્વદ્યોતક બન્યા છે પણ મોટે ભાગે લેખકે કથનાત્મક પદ્ધતિ અપનાવી છે. લેખક પોતે ધીમે ધીમે નિરાંતે વાર્તા કથતો જાય છે. વાર્તાને અસરકારક બનાવવા જયભિખ્ખુ ક્યારેક ટૂંકા અને કાવ્યાત્મક વર્ણનો પણ આપે છે. શ્રી જયભિખ્ખુની વાર્તાઓમાં સંઘર્ષ અને કાર્યવેગની માવજત પણ સારા પ્રમાણમાં છે. લેખક માને છે કે પુણ્યબળો અને પાપબળોનો સંઘર્ષ એ સંસારનું સત્ય છે. વિજયી થવા પુણ્યબળોને આકરી ચુકવણી કરવી પડે છે. આવા સત્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્યના આદર્શને મૂર્ત કરવા મરજીવાઓને આકરાં બલિદાનો આપવાં પડે છે. વાર્તાકારના ‘યાદવાસ્થળી’ સંગ્રહની પ્રત્યેક વાર્તા કોઈ ને કોઈ સંઘર્ષ લઈને આવે છે. કોઈમાં જીવનસંઘર્ષ છે તો કોઈમાં રાષ્ટ્રસંઘર્ષ કે આત્મસંઘર્ષ. માનવીમાં પડેલી સદ્-અસદ્ વૃત્તિઓનો સંઘર્ષ વર્ણવે છે. ‘આંખ નાની આંસુ મોટું’ વાર્તા માનવસંસ્કૃતિના ઇતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલહોમાં કંચન અને કામિનીએ ભજવેલા ભાગને વર્ણવે છે કે ‘કંચન અને કામિની’ની વાર્તાઓ, એમાં સ્વાર્થપરાયણ આચાર અને આદર્શપરાયણ વિચાર વચ્ચે કંચન અને કામિની માટે ખેલાયેલા સંઘર્ષોનું નિરૂપણ કરે છે. લેખક માને છે કે સમાજમાં કંચનને કારણે વિશ્વયુદ્ધો ખેલાયાં છે તો કામિનીને કારણે આંતરયુદ્ધો. એમાં ય તો વિશ્વયુદ્ધો કરતાં આંતરયુદ્ધો વધુ સંતાપકારી નીવડ્યાં છે. લેખકની ‘લીલો સાંઠો’ (લાખેણી વાતો) કુટુંબજીવનના ઝંઝાવાતી તોફાનને વર્ણવે છે. તો ‘કાફિર’ (યાદવાસ્થળી) રાષ્ટ્રસંઘર્ષ અને ‘લવંગિકા’ (યાદવાસ્થળી) જીવનસંઘર્ષને વર્ણવે છે.

કોઈપણ વાર્તાકારની સફળતાનો ઘણો આધાર એની લેખનશૈલી ઉપર હોય છે. જયભિખ્ખુની શૈલી અલંકારપ્રધાન હોવા છતાં એમાં વાચકના ચિત્તને જકડી રાખે એવી નૈસર્ગિક ધમકવાળી ચેતના છે, કથનની ઉત્કટતા અને સરસતા તથા વર્ણનની ચારુતા છે. ઇતિહાસ, સમાજ કે રાષ્ટ્રનો કોઈ પણ વિષય હોય જયભિખ્ખુ એની એવી મિષ્ટ અને રોચક શૈલીમાં રજૂઆત