પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧
 


પ્રકરણ ૨

નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય

ગુજરાતી નવલકથાનું સ્વરૂપ અંગ્રેજોના આગમન પછી અને પાશ્ચાત્ય નવલકથાના પ્રત્યક્ષ પ્રભાવથી પ્રગટેલું વિસ્તરેલું અને એમ સમર્થ બનેલું સ્વરૂપ છે. એનું નામકરણ પણ પાશ્ચાત્ય પ્રભાવ ધરાવે છે, એ ય જાણીતી વાત છે. આ સંદર્ભમાં ગુજરાતી નવલકથાના ‘નવલ’ તત્ત્વનો અભ્યાસ કરનારને એની નિર્માણ-વિકાસગાથા પણ નવલ-વિશેષ અનુભવ કરાવશે. એ નવલ તત્ત્વ માત્ર સ્વરૂપ પરત્વે જ નહિ, સામગ્રી પરત્વે ય સંતોષજનક પરિણામો આપે છે.

યુનિવર્સિટીની સ્થાપનાના આરંભકાળે ગુજરાત અને ગુજરાતીને મુંબઈની શૈક્ષણિક-સાહિત્યિક પ્રવૃત્તિઓનો લાભ મળતો હતો, એનાં સુપરિણામે ગુજરાતી સાહિત્યનો સુધારક યુગ અવતાર પામ્યો. સુધારાની દૃષ્ટિ પાશ્ચાત્ય સંસ્કૃતિનું પરિણામ હતું, પણ સુધારાની ભૂમિ તો ગુજરાતની જ હતી. ગુજરાતી પ્રજાને સુધારક યુગનો લાભ જે મળ્યો હોય તે, પણ ગુજરાતી સાહિત્યને આ યુગે વિલક્ષણ પથદર્શન કરાવ્યું છે. સુધારાવાદી વલણો કેવળ સામાજિક પ્રવૃત્તિઓમાં રમમાણ બની રહ્યાં નથી, પણ સાહિત્યક્ષેત્રે એનું આગવું પ્રદાન રહ્યું છે, એ ય સર્વવિદિત છે.

સુધારક યુગની સાહિત્યિક પ્રવૃત્તિ માટે પાશ્ચાત્ય દર્શન એક મહત્ત્વનું પરિબળ બની ગયું એ સાચું, પણ સુધારક પ્રવૃત્તિના નિમિત્તમાં ગુજરાતના પ્રજાજીવનની જ ભૂમિકા હતી. એ રીતે વિચારતાં કોઈ પણ સહૃદય અભ્યાસીને સમજાશે કે ગુજરાતી નવલકથા કે અન્ય - પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રેરણા પામેલા - સાહિત્યસ્વરૂપોની સામગ્રીનાં મૂળ ગુજરાતી પ્રજાજીવન અને પ્રજાસંસ્કાર સાથે દૃઢતર રીતે જોડાયેલાં છે. આ દૃઢબંધ છેક અદ્યતન સાહિત્યપ્રવૃત્તિ સાથે પણ અનુસ્યૂત છે, એ ય સહૃદયો માટે જાણીતી બાબત છે.