પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરે છે કે ભાવક તલ્લિન બનીને રસસૃષ્ટિમાં રમમાણ થાય છે. તેમની શૈલીમાં જોમ છે. ભાષાની પ્રવાહિતા અને ચિત્રાત્મકતા એ એમની શૈલીનાં પ્રધાન લક્ષણ છે. જયભિખ્ખુની ગદ્યશૈલીમાં ભાવજમાવટની અનોખી કુશળતા છે.

વાર્તાકાર જયભિખ્ખુ પાસે સુંદર, રમ્ય અને કલ્પનાપૂર્ણ ગદ્યશૈલી છે. ગ્રામ અને તળપદા જીવનનો લેખકનો અનુભવ શૈલીમાં બળકટતા લાવી એક સુગ્રાહ્યતાનો અનુભવ કરાવે છે. શૈલીમાંનાં કલ્પના અને સૌષ્ઠવ વાર્તાને સુરેખ આકાર પુરો પાડે છે. જયભિખ્ખુની ગદ્યશૈલી આલંકારિક છે, શબ્દોના ઠાઠમાઠવાળી છે અને એ જ કારણે એમની કેટલીક ધર્મકથાઓ રસિક નવલકથા જેવો આસ્વાદ કરાવે છે.

ટૂંકા ટૂંકા વાક્યોમાં જીવનનાં ઉમદા અને સનાતન સત્યોની રજૂઆત એ જયભિખ્ખુની ગદ્યશૈલીની આગવી લાક્ષણિકતા છે. ‘કલંકી મોતી’ (શૂલી પર સેજ હમારી)નું ગદ્ય આનો એક નમૂનો છે.

સ્ત્રીનું શીલ-મોતી સંસારનો શણગાર ને દુનિયાનું સૌભાગ્ય છે. એક દિવસ એવું મોતી કલંકિત થયું. (પૃ. ૩૧)
સ્ત્રી અને સાગર બંનેને ભારતના ઋષિઓએ મર્યાદાવાન કહ્યાં છે. સ્ત્રી અને સાગરથી એ ઇચ્છે તો ય મર્યાદા ન લોપાય એ સર્જનજૂનો નિયમ. એની મર્યાદા લોપવા કોઈથી યત્ન પણ ન થાય એ જમાનાજૂનું શાસન, કારણ કે બંનેએ નકલંક મોતી પકવવાનાં હોય છે. જો મર્યાદા તૂટે તો મોતી કલંકિત પાકે. (પૃ. ૩૧)

જયભિખ્ખુની કેટલીક વાર્તાઓમાં મધ્યયુગીન ખાનદાનીનું સ્મરણ કરાવે તેવા રંગદર્શી મિજાજને છાજે એવી શૈલી છે. ધીમી અને અલંકારપ્રચુર, બોધક અને વેધક, સ્કૂર્તિલી અને વેગીલી ગદ્યશૈલી ગદ્યકાર જયભિખ્ખુના આગવા મિજાજને પ્રગટ કરે છે.

વાર્તાકાર જયભિખ્ખુનું ગદ્ય ક્યારેક કટારીની તીક્ષ્ણતા વ્યક્ત કરે છે. નારીના દેહની દારુણતા ‘કર્ણનો જન્મ’ (કાજલ અને અરિસો) વાર્તામાં આવી તીક્ષ્ણ રીતે વર્ણવાઈ છે. વિધાતાએ સ્ત્રીના દેહને તો જીવતી