પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાહેરખબર જ સરજી છે. જરાક કંઈ આઘુંપાછું કર્યું કે એના દેહ પર એનો ઇતિહાસ મોટા અક્ષરે અંકાઈ જ જાય ! રસ્તે જતો પણ એને વાંચી શકે !’ (પૃ. ૨૪).

વાર્તાકાર જયભિખ્ખુને ભાષાનું ચોખલિયાપણું બહુ ગમતું નથી. ‘ગૂંગે ગોળ ખાધા’ જેવી ચલણી લોકોક્તિઓ તેઓ સુંદર રીતે ઉપયોગમાં લે છે. જયભિખ્ખુની ગદ્યશૈલી વાર્તાપ્રવાહને ખંડિત ન કરતાં ધાર્યા નિશાન તરફ એકાગ્ર ગતિ કરે છે. ‘દિલનો રંગ’ (કર લે સિંગાર) જેવી વાર્તા સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે.

શ્રી જયભિખ્ખુની ભાષામાં અલંકાર માટેનો આગ્રહ પ્રાચીન લેખકો જેવો જ છે. ઉપમાઓ જેટલી નવલકથામાં રસિક રૂપે પ્રયોજાઈ છે એટલી વાર્તાસંગ્રહોમાં નથી છતાં એનો સાવ અભાવ પણ નથી, જેમકે ‘શંકરના નંદી જેવો તળાજાનો ડુંગર’ ‘કન્યાદાન’ વાર્તામાં (પૃ. ૯, કન્યાદાન), ‘આકાશના વાદળ જેવી ભારતની ગાડીઓ’ ‘મીઢળબંધો’ વાર્તામાં (પૃ. ૩૨, કન્યાદાન) વગેરે નોંધી શકાય.

વાર્તાકારની ગદ્યશૈલી ક્યારેક સનાતન સત્યોને અથવા ચિંતનાત્મક વિચારને રળિયામણા ગદ્યમાં મઢે છે, જેમ કે –

— ‘આત્માને આકર્ષે તે સૌંદર્ય, દેહને આકર્ષે તે રૂપ’ ‘ગુલાદની શૈયા’ વાર્તામાં (પૃ. ૧૨, કન્યાદાન).

— બીજાના આનંદમાં જેનું મન કોળે એ માનવ ‘જિંદગી’ વાર્તામાં (પૃ. ૨૦, વેર અને પ્રીત)

જયભિખ્ખુના વાર્તાસંગ્રહોનાં અને એમાંની વાર્તાઓનાં શીર્ષકોનો અભ્યાસ પણ ધ્યાનાર્હ છે. આ શીર્ષકો, રંગીન, ટૂંકા, અર્થપૂર્ણ અને ધ્વન્યાત્મક છે. પહેલા સંગ્રહનામોને તપાસીએ તો ‘મનઝરૂખો’ ‘પગનું ઝાંઝર’ કે ‘શૂલી પર સેજ હમારી’ જેવાં શીર્ષકો સંગ્રહમાની કોઈ વિશિષ્ટ ભાવનાના નિરૂપણના પરિચાયક બને છે. ‘કામનું ઔષધ કામ’ ‘કંચન અને કામિની’ જેવાં શીર્ષકો ધ્વન્યાત્મક હોવાની સાથે અર્થપૂર્ણ બની રહે છે. ‘યાદવાસ્થળી’ પ્રતીકાત્મક છે. ‘મનવાભાણની ટેકરી’ જેવાં કેટલાંક શીર્ષક સંગ્રહમાંની કોઈ વાર્તાને આધારે અપાયાં છે.