પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘માબાપ તો દલાલ છે’ -ની ફિલસૂફીમાં માનતાં ને દીકરીને પરણાવવા કેવળ ભૌતિક પરિસ્થિતિએ રાજીના રેડ થતાં દીકરીનાં માબાપ સામે કટાક્ષ દાખવતી આ ટૂંકી વાર્તામાં લેખકે ધારદાર કટાક્ષનો આશ્રય લઈને વાર્તાકલાનો સમર્થ નમૂનો રજૂ કર્યો છે.

વાર્તાની સ્વરૂપલક્ષી સમજણ જ્યારે અલ્પવિકસિત દશામાં હતી ત્યારે પણ સામગ્રીના ભરપૂર વૈવિધ્યને આપસૂઝથી વાર્તાકળામાં સંયોજવાની ક્ષમતા જયભિખ્ખુમાં હતી એના દૃષ્ટાંતરૂપે આપણે કેટલીક વાર્તાઓ અહીં ઉપસંહારમાં જોઈ છે. આટલા નમૂના પરથી પણ એટલું તો સ્પષ્ટ થાય છે જ કે જયભિખ્ખુની વાર્તાઓને પત્રકારની કે કટારલેખકની વાર્તાઓ કહીને – ગણીને ઉવેખવાને બદલે એનું રીતસરનું અધ્યયન કરવાથી જયભિખ્ખુની વાર્તાકલાલક્ષી સૂઝસમજણનો પરિચય પામી શકાય છે.

વસ્તુ અને સામગ્રીના વૈવિધ્ય ઉપરાંત જયભિખ્ખુની વાર્તાઓને તપાસીએ તો અવેર, સંપ, સત્ય, પ્રેમ, અહિંસા વગેરેનો સંદેશો લઈને આવતી જયભિખ્ખુની અનેક વાર્તાઓ એક અનોખા આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે. એમાં મનુષ્યસ્વભાવનું અટપટું અને ઝીણવટભર્યું પૃથ્થકરણ શોધવા જનારને કદાચ નિરાશા મળે. નવી ‘ટેકનિક’ની નવલિકાને જ નવલિકા ગણનારા વર્ગને સીધું પ્રસંગકથન કરતી આ વસ્તુપ્રધાન અને ભાવનાપ્રધાન રચનાઓ સંપૂર્ણપણે વાર્તા ન લાગે તો પણ સંવેદનની સચ્ચાઈ અને વસ્તુલક્ષી માવજતને ઊંચા સાહિત્યના લક્ષણ ગણવામાં આવતા હોય તો જયભિખ્ખુની વાર્તાઓને અવશ્ય ઊંચી કક્ષાની વાર્તાઓ ગણવી રહી. ઊછળતી પેઢીને મસ્ત જીવનરસ પાતી અને એમની સાહિત્યરુચિને સંસ્કારતી આ વાર્તાઓ એમાંનાં વસ્તુસંદર્ભો, સામગ્રીવૈવિધ્ય, કલાસંયોજન, દર્શન વગેરેને કારણે પોતાની અભ્યાસપાત્રતા તો સિધ્ધ કરે જ છે. જયભિખ્ખુની ટૂંકી વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યનું એક લોકપ્રિય અને અભ્યાસપાત્ર પ્રકરણ બની રહે છે એ નિઃશંક છે.